બોગસ ટોલનાકા કેસમાં જેરામ પટેલના પુત્રની સંડોવણી મામલે બોલ્યા નરેશ પટેલ રાજકોટ :ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ ખાતે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જોકે આ દરમિયાન જ્યારે વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં જેરામ પટેલના પુત્રનું નામ સામે આવ્યા બાબતે તેમનું મંત્વય પૂછવામાં આવ્યું તો નરેશભાઈ પટેલે કંઈક આવો જવાબ આપ્યો હતો, જુઓ...
કૌભાંડ મામલે બોલ્યા નરેશ પટેલ :કેન્સર હોસ્પિટલના નિર્માણ અંગેની પત્રકાર પરિષદમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. આ તકે જ્યારે વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ જેરામ પટેલના પુત્રની સંડોવણી મામલે પૂછવામાં આવ્યું તો નરેશ પટેલે બોલવાનું ટાળ્યું હતું. આ સાથે જ મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટના મામલે નરેશ પટેલે જણાવ્યું હતું કે, નિર્દોષ હોય તે લોકોને ન્યાય મળવો જોઈએ.
સર્વ સમાજ માટે કેન્સર હોસ્પિટલ :પત્રકાર પરિષદને સંબોધતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 21 જાન્યુઆરીના રોજ રાજકોટના અમરેલી ગામ ખાતે નવી નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં સર્વ સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે પ્રથમ ફેઝમાં 200 બેડની કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવશે. જેમાં સર્વ સમાજના દર્દીઓને લાભ આપવામાં આવશે. આગામી 24 મહિનામાં આ હોસ્પિટલ તૈયાર થઈ જશે.
બોગસ ટોલનાકા કેસ મામલે ચૂપ્પી !વાંકાનેરમાં ઝડપાયેલા નકલી ટોલનાકા મામલે ઉમિયાધામ ટ્રસ્ટના પ્રમુખ જેરામ પટેલના પુત્રનું નામ ખુલ્યું છે. આ બાબતે જ્યારે નરેશ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે " આજે એક ઉમદા હેતુ માટે આપણે અહીં એકત્રીત થયા છીએ તો વિષયની બહાર આપણે ન જઈએ " એમ કહેતા આ મામલે બોલવાનું ટાળ્યું હતું.
ઝુલતો પુલ દુર્ઘટના મામલે નિવેદન :આ ઉપરાંત મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલ પરના આરોપ મામલે નરેશ પટેલે જણાવ્યું હતું કે, જે પણ પ્રમાણે કેસ નોંધાતા હોય છે તેના ડિટેલમાં અમે બહુ પડતા નથી. પરંતુ જ્યારે જ્યારે કોઈને જરૂર પડે અને સારા અને નિર્દોષ લોકો હોય જે લોકો જેલમાં ન રહે અને છૂટી જાય, તે માટે અમે માઁ ખોડલને પ્રાર્થના કરીએ છીએ. નિર્દોષ હોય તે લોકોને ન્યાય મળવો જોઈએ.
ખેડૂતોની સમસ્યા મામલે નરોવાહ કુંજરોવા ?ઉલ્લેખનિય છે કે, આજે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ બહાર હાઇવે ઉપર ડુંગળી ફેંકીને ચક્કાજામ કર્યો હતો. આમ ખેડૂતોએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કેન્દ્ર સરકારના નિર્ણય પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ મામલે નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારે આ મામલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
ખોડલધામ ટ્રસ્ટનું સેવાકાર્ય : ઉલ્લેખનીય છે કે આગામી 21 જાન્યુઆરીના રોજ રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ ખાતે કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન થવાનું છે. ત્યારે સાત દીકરીના હસ્તે આ ભૂમિ પૂજન કરવામાં આવશે. જેને લઈને ખોડલધામ ટ્રસ્ટ આ કામગીરીમાં જોરશોરથી લાગી ગયું છે. તેમજ આ હોસ્પિટલમાં માટે મોટા પ્રમાણમાં દાન મળે તેને લઈને નરેશ પટેલ પણ આગામી દિવસોમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક યોજશે.
- વાંકાનેર ગેરકાયદેસર ટોલનાકા મામલે પુત્રનો બચાવ કરવા ઉમિયાધામ પ્રમુખે ખુલાસો કર્યો
- દીવા તળે અંધારુઃ વાંકાનેરમાં વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ધમધમે છે ગેરકાયદેસર ટોલનાકુ