રાજકોટ:રાજકોટમાં નામાંકિત બિલ્ડર દ્વારા પોતાના ઘરે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈને આપાઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એવામાં આ બિલ્ડર દ્વારા આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખવામાં આવી હતી અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
સ્યુસાઇડ નોટથી રાજકારણ ગરમાયુ:સુસાઇડ નોટમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના લોકોનું પણ નામ સામે આવ્યું હતું. જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે આ મામલે રાજકોટના ડીસીપી સુધીર દેસાઈએ ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે ફરિયાદીએ જે પ્રમાણે ફરિયાદ લખાવી છે. તેના આધારે હજુ સુધી બે લોકોના જ નામ આપ્યા છે.
બિલ્ડરનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયું:રાજકોટના ડીસીપી સુધીર દેસાઈ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ગત તારીખ 6 ના રોજ રાજકોટના બિલ્ડર જેરામ કુંડારિયા દ્વારા પોતાના ઘરે ઊંઘની ગોળીનો ઓવરડોઝ લઈને આપઘાતનો પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ મામલાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જ્યારે આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી અને આપઘાતનો પ્રયાસ કરનારની તે જે સ્થિતિ હતી તેને જોઈને પોલીસ દ્વારા આ મામલે મેજિસ્ટ્રેટને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સમક્ષ જ જેરામ કુંડલીયાનું ડિડી લેવામાં આવ્યું હતું. જ્યારે જેરામ કુંડારીયાએ પોતાના નિવેદનમાં બે લોકો વિરુદ્ધ વ્યાજખોરોની ફરિયાદ પણ નોંધાવી હતી. જેના આધારે ગાંધીગ્રામ પોલીસે આ ગુનાના એક આરોપીને પકડી પાડ્યો હતો અને અન્ય આરોપીને પકડવાની તજવીજ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.