રાજકોટમાં બોગસ કોલ લેટર સાથે યુવાન પોલીસમાં હાજર થયો અને કૌભાંડ ખૂલ્યું રાજકોટ :રાજકોટમાં બોગસ કોલ લેટર સાથે એક યુવાન પોલીસ વિભાગમાં હાજર થયો હતો. જ્યારે આ યુવાન પાસે રહેલા લેટર પોલીસ દ્વારા વેરીફાઇ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેને લઇને આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને ચાર શખ્સોની અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ચારેય ઈસમો દ્વારા અત્યાર સુધીમાં 28 જેટલા આવા બોગસ કોલ લેટર બનાવવામાં આવ્યા છે. જ્યારે એક લેટર બનાવવા માટે અંદાજિત ચાર થી પાંચ લાખ રૂપિયા આ શખ્સો દ્વારા લેવામાં આવતા હતા. પોલીસે હાલ આ ચારેય ઈસમોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
બોગસ કોલ લેટર કૌભાંડ :રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહ ગોહિલે સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રદીપ મકવાણા નામનો યુવાન પોલીસ ભરતીના કોલ લેટર સાથે કમિશનર કચેરી ખાતે હાજર થવા માટે આવ્યો હતો. આ કોલ લેટરના આધારે પોલીસ કમિશનર કચેરીમાં ફરજ ઉપર રહેલા પોલીસકર્મીને તે કહેતો હતો કે, તેને અહીંયા પોલીસમાં નોકરી મળી ગઈ છે. જ્યારે અહીંયા ફરજ ઉપર હાજર રહેલા પોલીસકર્મી દ્વારા પ્રદીપ મકવાણાના કોલલેટરની ચકાસણી કરવામાં આવી હતી. તે દરમિયાન સામે આવ્યું હતું કે, આ કોલ લેટર કંઈક શંકાસ્પદ પ્રકારનો છે. જેને લઈને આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, પ્રદીપ મકવાણા નામના યુવાને પોલીસ ભરતીનો બોગસ લેટર બનાવ્યો હતો. જેના આધારે પોલીસે તેની વધુ પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, પ્રદીપે તેના માસા પાસેથી આ પ્રકારે બોગસ કોલ લેટર બનાવવા માટેની લીંક મળી હતી.-- પાર્થરાજસિંહ ગોહિલ (DCP, ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ)
28 જેટલા બોગસ કોલ લેટર : DCP એ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદીપ પોલીસ ભરતીમાં ફેલ થયો ત્યારે તેને પોતાના માસા ભાવેશ ચાવડાનો સંપર્ક કર્યો હતો. જેના માટે પ્રદીપે પોતાના માસાને કેટલીક એડવાન્સ રકમ પણ ચૂકવી હતી. ત્યારબાદ ભાવેશ ચાવડાએ આ મામલે પોતાના ભાઈ એવા બાલા ચાવડાની મદદ લીધી હતી. તેની પાસે પોલીસ ભરતીના બોગસ કોલ લેટર બનાવ્યો હતો. કોલ લેટર બનાવીને આ ઈસમો દ્વારા ઉમેદવારોને એક છોકરી મારફતે ફોન કરાવવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તેમને જે તે વિસ્તારમાં ફરજ ઉપર હાજર થવાનું છે.
4 ઈસમોની અટકાયત : પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના નજીકના ગામ એવા ચોટીલા, સુરેન્દ્રનગર, જસદણ અને રાજકોટની આસપાસના તાલુકાની અંદર રહેતા કેટલાક વિદ્યાર્થીઓ પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન નાપાસ જાહેર થયા હતા. તે વિદ્યાર્થીઓએ આ ઇસમોનો સંપર્ક કરીને બોગસ કોલ લેટર અને એપોઇન્ટમેન્ટ લેટર બનાવડાવ્યા હતા. ત્યારે અત્યાર સુધીમાં આવા 28 જેટલા બોગસ કોલ લેટર બનાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આ મામલે ચાર જેટલા ઇસમોની અટકાયત કરી છે. પરંતુ આગામી દિવસોમાં 15 થી 20 જેટલા લોકોની ધરપકડ થાય તેવી શક્યતાઓ જાણવા મળી રહી છે.
- Vadodara News: કરોડોના ડીઝલ કૌભાંડમાં વધુ એકની ધરપકડ, જવાહરનગર પોલીસે વડોદરાના જાણીતા વકીલને ઝડપ્યો
- Surat News: ડુપ્લીકેટ માર્કશીટનું વધુ એક સ્કેમ એક્સપોઝ, બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ-પાનકાર્ડ બનાવતા હોવાનો પણ ખુલાસો