રાજકોટ : ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. ત્યારે આજે રાજકોટ ખાતે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ આવી પહોંચ્યા હતા અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે જ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કમોસમી વરસાદને લઈને થયેલી નુકશાની મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું. ખેડૂતોને નુકસાનીની સહાય અંગે પણ વાત કરી હતી. આ સાથે જ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા આજે પાર્ટીના સ્થાપના દિવસે અનેક વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.
નુકશાનીનો સર્વે ટૂંક સમયમાં પૂર્ણ થશે :રાજકોટ ખાતે આવેલા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 3 માર્ચથી લઈને 24 માર્ચ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં સત્તત કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જેમાં એક મિલી મીટરથી લઈને એનાથી વધુ વરસાદ રાજ્યના 150 જેટલા તાલુકામાંઓ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના રવિ પાક, બાગાયતી પાક કે બીજા કોઈપણ જાતના નુકસાની અંગે રાજ્ય સરકારને ઘણી બધી રજૂઆત મળી છે. જ્યારે વરસાદ શરૂ થયો, ત્યારે અમે અમારા જે તે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી હતી કે તમે તમારા વિસ્તારમાં થતા કમોસમી વરસાદના નુકસાનની વિગતોનો અહેવાલ સતર્ક રહીને તાત્કાલિક રાજ્ય સરકારને આપજો. જે મુજબની કાર્યવાહી પણ થઈ છે.
આ પણ વાંચો :Patan News : કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેતરોની કલેકટરે મુલાકાત લીધી, નુકસાનીનો સર્વે માટે આટલી ટીમની રચના