અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રીના સડક પીપળીયા બસ સ્ટેન્ડ પાસે ગોંડલથી રાજકોટ તરફ જઇ રહેલી લક્ઝરી બસ GJ03BY 4004 અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા PSI અજયસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગોંડલ નગરપાલિકાના ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બન્ને વાહનો બળીને ખાખ - rajkot news today
રાજકોટ: સડક પીપળીયા પાસે લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં આગ ભભૂકી ઉઠી હતી અને બન્ને બળીને રાખ થયા હતા. ઉલ્લેખનીય છે કે, બસ રીપેરીંગ થઈ રાજકોટ તરફ જઈ રહી હતી. સદનસીબે તેમાં કોઈ મુસાફરો બેઠા ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
તેમજ અકસ્માતમાં બાઈક પર સવારી કરી રહેલ મોટી મેંગણીના કિશોરભાઈ સરવૈયા તેમજ રમેશભાઈ ચાવડાને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતની ફરિયાદ બાદ તાલુકા પોલીસે બસના ડ્રાઇવર યુનુસમીયા બાપુમીયા બાજવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, લક્ઝરી બસમાં ગોંડલ પાસે કોઈ ફોલ્ટ સર્જાયો હોવાથી સર્વિસ કરાવી ચાલક ગોંડલથી રાજકોટ તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યારે સડક પીપળીયા પાસે બાઈક સાથે અથડાતા બાઈક બસની નીચે ઘુસી જવાની સાથે ઢસડાતા આગ ભભૂકી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે આગનું સચોટ કારણ જાણવા પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. FSLની ટીમે સેમ્પલ લઇ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.