રાજકોટ :હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જળસંચયના જીવાદોરી સમાન સિંચાઈ વિભાગના ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગોંડલના લીલાખા ગામ પાસે આવેલ ભાદર-1 ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. આ ડેમની જળસપાટી 25.50 ફૂટે પહોંચી હોવાનું ડેમ સાઈડના ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમની પણ જળ સપાટીમાં વધારો થતા ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી છે.
Rajkot Bhadar-2 Dam : ભાદર-2 ડેમના પાંચ દરવાજા ખોલ્યા, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા - Gujarat Monsoon 2023
રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની જળ સપાટીમાં વધારો થતા ડેમના દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા છે. જેમાં ભાદર-1 ડેમની જળ સપાટી 25.50 ફૂટે પહોંચી છે. જ્યારે ભાદર-2 ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે.
ડેમના દરવાજા ખોલ્યા : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેમજ ઉપલેટામાં મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો હતો. તેથી નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર કમર સુધીના પાણી ભરાઈ ચુક્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તો બીજી તરફ ઉપલેટાના પણ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું. વરસાદથી ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ભાદર-1 ડેમની જળસપાટીમાં વધારો થયો છે. તો ભાદર-2 ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ ખોલી અને ભાદર નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
એલર્ટ મોડ ઓન :છેલ્લા ત્રણ દિવસથી સતત રાજકોટ જીલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં મંગળવારે ધોરાજીમાં આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ધોરાજીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જળબંબાકારની સ્થિતિના કારણે વાહનો પાણીના પ્રવાહમાં તરતા જોવા મળી રહ્યા હતા. ધોધમાર વરસાદથી રાજકોટ જિલ્લાના અનેક ડેમોની અંદર નવા નીરની આવક થઈ છે. તો ઘણા ડેમોના દરવાજા ખોલી નદીકાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના અથવા અકસ્માત ન બને તે માટે તંત્ર સતત એલર્ટ મોડમાં છે.