- મૂળ દિલ્હી- પંજાબની આસપાસના વિસ્તારનો હતો બાબા
- વિધિ અને દોરા ધાગાના નામે છેતરપીંડી આચરતો હતો
- બાબાની જાળમાં ફસાયો હતો એક પોલીસ કર્મી
રાજકોટઃ રાજકોટ વિજ્ઞાનજાથા દ્વારા વધુ એક ઢોંગી બાબાને ઝડપી પાડ્યો છે. આ બાબા છેલ્લા 15 વર્ષથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મકાન ભાડે રાખીને લોકોની આસ્થા અને શ્રધ્ધા સાથે ચેડાં કરતો હતો. દોરા અને ધાગા કરાવી આપવાના બહાને લોકો પાસેથી મોટી રકમ પણ છેતરપીંડી કરીને મેળવતો હતો. વિજ્ઞાનજાથા અને રાજકોટ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ગોઠવામાં આવ્યું હતું. જેમાં આ ઈસમ ઝડપાયો હતો. જેની સાથે પોલીસે વધુ બે ઇસમોની પણ ધરપકડ કરી છે.
પોલીસ કર્મી પણ ઢોંગી બાબાની આડમાં ફસાયો
આ ઢોંગી બાબનું નામ સુરજીતસિંઘ છે તેમજ તે મૂળ દિલ્હી- પંજાબની આસપાસના વિસ્તારનો છે. જે દુઃખી અને મુશ્કેલીમાં હોય તેવા લોકો સાથે વિધિ અને દોરા ધાગાના નામે છેતરપીંડી આચરતો હતો. આ બાબાની જાળમાં એક પોલીસ કર્મી પણ ફસાયો હતો. જેની પાસેથી બાબાએ રૂ.25 હજારની માંગણી કરી હતી. જો કે પોલીસ કર્મીએ રૂ.1700 જ આપ્યા હતા. ત્યારબાદ પોલીસ કર્મીએ આ સમગ્ર મામલે વિજ્ઞાનજાથાને જાણ કરી હતી અને આ મામલે છટકું ગોઠવામાં આવ્યું હતું.
ગ્રહના નંગની વીંટી આ ઢોંગી બાબા મોટી રકમ પડાવીને પીડિતને આપતો હતો બાબા ગ્રહના નંગની વીંટી કરાવી રૂપિયા પડાવતો મુખ્યત્વે દુઃખી અને મુશ્કેલીમાં હોય તેવા લોકોને આ બાબા પોતાની જાળમાં ફસાવતો અને તેમને તાંત્રિક વિધિ અથવા અલગ અલગ ગ્રહના નંગની વિટી પહેરવાથી સમસ્યા દૂર થશે તેવું જેતે પીડિતને જણાવીને આ ગ્રહના નંગની વીંટી પણ આ ઢોંગી બાબા મોટી રકમ પડાવીને પીડિતને આપતો હતો. આમ ગુજરાતના અલગ અલગ શહેરોમાં છેલ્લા 15 વર્ષથી આ પ્રકારનો ધંધો કરતો હતો. જેમાં તેને અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ ભક્તિનગર પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.