- જેતપુર તાલુકા પંચાયતમાં આપખુદશાહી ચલાવતા TDO
- અરજદારોને સેવાના નામે સુવિધાઓને બદલે મળે છે દુવિધાઓ
- અરજદારોને કામકાજ માટે ખવડાવવામાં આવે છે અનેક ધક્કા
રાજકોટ: જિલ્લાની જેતપુર તાલુકા પંચાયતમાં અરજદારોને સુવિધાઓના નામે અનેક દુવિધાઓ મળતી હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી કામ માટે તાલુકા મથક ન જવું પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં જ અનેક સરકારી દસ્તાવેજો કાઢી આપવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ જેતપુર તાલુકાના ગામડાઓમાં આ સુવિધાઓ આપવામાં ન આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જેતપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરકારની ઉપરવટ જઇને જેતપુર તાલુકા પંચાયત ખાતે આવતા ગ્રામ્ય વિસ્તારના અરજદારોને જાતિના દાખલા માટે ફરજિયાત વેરો ભર્યાની પહોંચ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
જેતપુર તાલુકા પંચાયતના વિકાસ અધિકારીનો તુઘલકી નિર્ણય, વેરો ભર્યો હશે તો જ નીકળશે જાતિનો દાખલો સુવિધાઓના બદલે દુવિધાઓનું ઠેકાણું એટલે જેતપુર તાલુકા પંચાયત
જેતપુર તાલુકા પંચાયતમાં સામાન્ય જાતિનો દાખલો કઢાવવાનું કામ પણ લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે. કેમકે જેતપુર તાલુકા પંચાયતમાં જાતિના દાખલા કઢાવવા માટેના ફોર્મ પણ મફતમાં નથી મળતા. તે ઉપરાંત કોઈ કર્મચારી દ્વારા ગ્રામ્ય વિસ્તારના અરજદાર લોકોને જેતે સરકારી સેવા માટેના ફોર્મ પણ વિનામૂલ્યે મળી રહે અને ફોર્મ ભરી આપવાની કોઈ જ પ્રકારની મદદ ન કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તુઘલક મિજાજી કર્મચારીઓ દ્વારા અરજદારો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વ્યવહાર કરાતો હોવાનું અરજદારો જણાવી રહ્યાં છે.
સરકાર મોટી કે તાલુકા વિકાસ અધિકારી
ઉપરોક્ત તમામ બાબતોની અરજદારો દ્વારા રજૂઆત મળતા ETV Bharat દ્વારા જેતપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી કુંગસિયાની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારનો કોઈ નિયમ કે પરિપત્ર નથી કે જાતિના દાખલા માટે વેરો ભર્યાની પહોંચ જોડવામાં આવે પણ પોતાનો સ્કોર સરકારમાં સારો લાગે તે માટે TDO દ્વારા પોતે જ નિયમ બનાવ્યાનું તેમણે જણાવ્યું હતું. આગળ લોકસેવાના પ્રશ્નોને લઈને વાત કરતા તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો અને પોતાનો બચાવ કરતા નજરે પડ્યા હતા.
ડિજિટલ ગુજરાત સેવામાં જાતિના દાખલા કઢાવવા માટે ફરજીયાત નથી વેરા ભર્યાની પહોંચ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને ઓનલાઇન સેવાઓ મળી રહે તેના માટે ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. જેના થકી રાજ્યના નાગરિકો વિવિધ સરકારી સેવાઓનો લાભ લઈ શકે છે. ત્યારે આ ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર પણ જાતિના દાખલા માટે વેરા પહોંચ જોડવી ફરજિયાત ન હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત જેતપુર તાલુકા પંચાયતના નોટિસ બોર્ડ પર પણ રાખેલી યાદી મુજબ જાતિના દાખલા માટે વેરા ભર્યાની પહોંચ ફરજીયાત ન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી પોતાનો સ્કોર સારો દેખાડવવા માટે જેતપુર તાલુકાના અઢળક અરજદારોને હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે. વર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે લોકોની આજીવિકા પણ ઘટી હોવાનું સામે આવ્યું છે.