રાજકોટઃ 71માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ શહેર ખાતે હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી. રાજકોટ કલેકટરના સહી વાળા 50,000 રૂપિયાના એકાઉન્ટ પે ચેક પત્રકારોને વહેંચવામાં આવતા વિવાદ સર્જાયો હતો. સમગ્ર ઘટના બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સત્તાપક્ષને આડે હાથ લીધો હતો.
ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રજાને તેમનું કામ કરાવવું હોય તો લાંચ આપવાની પદ્ધતિ ચાલતી હતી. રવિવારે ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર એવો મુદ્દો ધ્યાને આવ્યો છે કે, જેમાં સરકાર પોતાની વાહવાહી કરાવવા માટે લાંચ આપતી હોય, જ્યારે સરકારી અધિકારીઓ ચેક થકી પત્રકારને ખોટી વાહવાહી કરાવવા લાલચ આપે, ત્યારે એ કેટલુ નિમ્ન કક્ષાનું ગણાય, તે સમજી શકાય તેવી બાબત છે. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન પોતે રાજકોટ શહેરના હોય અને તેમના જ શહેરમાં જો આવી પરિસ્થિતિ હોય, સરકાર બીજી તરફ ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત બનાવવાની જાહેરાતો કરતી હોય, ત્યારે સરકારનો વહીવટીતંત્ર પર જ અંકુશ રહ્યો ન હોય, તેવી પરિસ્થિતિમાં ભ્રષ્ટાચાર ચોતરફ ફેલાયો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર છે. તે સાબિત કરી બતાવ્યું છે.