અમદાવાદ : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજમાં કરવામાં આવેલી ગેરરીતિ મામલે ખોખરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ મામલે બ્રિજ બનાવતા સમયે ગેરરીતી આચરીને કોર્પોરેશન સાથે ઠગાઈ આચરનાર એજન્સીના ડાયરેક્ટરો સામે કોર્પોરેશનના અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે અજય એન્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો બાદ હવે એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બ્રાન્ચ હેડની ધરપકડ કરી છે.
આ અંગે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપી નીલમ પટેલ હાટકેશ્વર બ્રિજનું ટેન્ડર મંજૂર થયુ ત્યારથી વર્ક ઓર્ડર સુધીના કંપની વતીના તમામ કામ તેઓની સહીથી થયા હતા. તેની સાથેની ટીમમાં પ્રવીણભાઈ દેસાઈ તેમજ ભાઈલાલ ભાઈ પંડ્યા ટીમ લીડર અને કોઓર્ડીનેટર તરીકે કાર્યરત હતા. બ્રિજની તમામ કામગીરીનું સંકલન મહિલા આરોપી મારફતે થતુ હતું. આ મામલે સામેલ અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે... એ. વાય. પટેલ (ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ)
નીલમ પટેલ બ્રાન્ચ હેડ હતાં: ખોખરા હાટકેશ્વર રોડ ઉપર હાટકેશ્વર બ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખામીયુકત જાહેર કરી તે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના મળતા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી સીટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતા ઓફીસર જીગ્નેશ શાહે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ઝડપાયેલી મહિલા આરોપી નીલમ પટેલ એસ.જી.એસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બ્રાન્ચ હેડ તરીકે કામ કરતા હતાં. તે પોતે એન્જીનીયર છે, તે ઓફિસનું તેમજ ટેક્નીકલ કામ સંભાળે છે.
અત્યાર સુધીમાં ધરપકડો : આ મામલે અજય એન્જી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર તેમજ ચેરમેન રમેશ પટેલ તેમજ ડાયરેક્ટર રસિક પટેલ ચિરાગ પટેલ, કલ્પેશ પટેલની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હવે પ્રોજેક્ટ એન્જિનિયર અને એસ.જી.એસના બ્રાન્ચ નીલમ પટેલની ધરપકડ કરવામાં આવી છે.