- ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના સંચાલકોની ઘોર બેદરકારી
- હોસ્પિટલનો સ્ટાફ ફાયર સેફ્ટીના સાધનોથી હતો અજાણ
- FSL રિપોર્ટ બાદ જ આગ લાગવાનું સ્પષ્ટ કારણ આવશે બહાર
રાજકોટ: આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવા મામલે પોલીસે નવો ખુલાસો કર્યો છે. જેમાં SITના અધ્યક્ષ અને ઝોન 2 ડીસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આગ મામલે તમામ વિગતો જાહેર કરવામાં આવી હતી. ત્યારે સામે આવ્યું છે કે, ચાર દર્દીઓના દાઝી જવાના કારણે અને એક વ્યક્તિનું ધુમાડામાં ગુંગણામણથી મોત થયું છે. જ્યારે હોસ્પિટલ સંચાલકોની પણ ગંભીર બેદરકારી સામે આવી છે.
રાજકોટ અગ્નિકાંડ: સંચાલકોની ઘોર બેદરકારી આવી સામે , 5 વિરુદ્ધ ગુન્હો દાખલ
આગકાંડ મામલે હોસ્પિટલ સંચાલકોની ગંભીર બેદરકારી
કોવિડ હોસ્પિટલમાં આગ લાગવા મામલે પોલીસ તપાસમાં આમે આવ્યું છે. ICU વોર્ડમાં આવેલ ઇમરજન્સી એક્ઝિટ ગેટને બંધ કરી દેવાયો હતો. તેની આજુબાજુ હોસ્પિટલ તંત્ર દ્વારા અલગ અલગ મશીનો મુકવામાં આવ્યા હતો. જ્યારે ICUમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ દરવાજાનો ઉપયોગ થતો હતો. જેના કારણે દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટે સમય લાગ્યો હતો.
હોસ્પિટલ સ્ટાફને ફાયર સેફટીના સાધનો ચલાવતા આવડતું નહોતું
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દ્વારા મનપાના ફાયર વિભાગમાંથી NOCતો લેવામાં આવ્યું હતું. પરંતુ જે સમયે આગ લાગી ત્યારે હોસ્પિટલ સ્ટાફને ફાયર સેફટીના સાધની ચલાવતા આવડતું નહોતું, એ પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે, સ્ટાફે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ આગ બુઝાવવા માટે કર્યો હતો. પરંતુ તેમને ઉપયોગ કરતા આવડતું ન હોવાના કારણે આગ બુઝાવામાં વાર લાગી હતી.
પોલીસે 5 લોકો વિરુદ્ધ નોંધ્યો ગુનો
રાજકોટ આગકાંડ મુદ્દે પોલીસે હોસ્પિટલ સંચાલક ડૉ. તેજશ કરમટા, ડૉ. પ્રકાશ મોઢા સહિત પાંચ લોકો વિરુદ્ધ 304 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આગ મુદ્દે પ્રથમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ બે દિવસની તપાસ બાદ પોલીસે વધુ એક કલમનો આ મામલે ઉમેરો કર્યો છે.
આગ લાગવાનું કારણ હજુ પણ સ્પષ્ટ જાહેર નહિ
આગ લાગવાની ઘટના મુદ્દે પોલીસે બે દિવસની તપાસ બાદ હાલ વધુ એક ગુન્હો નોંધ્યો છે. જોકે, આગ ક્યાં કારણોસર લાગી તે સામે આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં મશીનરીમાં આગ લાગવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે, મનપાના ફાયરવિભાગ અને FSL રિપોર્ટ બાદ જ આગ લાગવાનું સ્પષ્ટ કારણ બહાર આવી શકે એમ છે.