રાજકોટ :રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 81નો વિડીયો બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાતું હતું કે શાળાના બે વિદ્યાર્થીઓને શાળાના છજા ઉપર ચડાવવામાં આવ્યા હતા અને સાફસફાઈ કરાવવામાં આવી રહી હતી. જે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ શાસનધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરી હતી. જ્યારે આ તપાસમાં શાળાના આચાર્ય દોષી ઠેરવાયા હતા. જેને લઈને આચાર્યને તાત્કાલિક પદ પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો Video Viral of Students આ તે કેવી 'શિક્ષા'! બાળકોએ જીવ જોખમમાં મુકી કરી સફાઈ, વીડિયો વાઈરલ
વિદ્યાર્થીઓ પાસે સાફસફાઇ કરાવી :બે દિવસ પહેલા શાળાના શાળા નંબર 81માં છજા ઉપર ચડીને બે વિદ્યાર્થીઓ સાફસફાઈ કરી રહ્યા હતા. જ્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાની તપાસ કરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન શાળાના આચાર્ય રીટાબેન બુટાણીએ જણાવ્યું હતું કે શાળાના છજા ઉપર ચડાવવામાં આવેલા બંને વિદ્યાર્થીઓ બહારના છે.
શાસનાધિકારીએ કરી તપાસ : ત્યારબાદ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે શાળાના આચાર્ય રીટાબેન બુટાણી દ્વારા જ આ બંને વિદ્યાર્થીઓને છજા ઉપર ચઢાવવામાં આવ્યા હતા અને સાફ-સફાઈ કરાવવામાં આવી હતી. જેને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તાત્કાલિક શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આચાર્યને પદ પરથી હટાવીને શિક્ષક બનાવાયા છે.
આ પણ વાંચો Education Controversy: ચૈતન્ય ટેકનો શાળા શરૂ થાય તે પહેલા જ વિવાદ, પ્રવેશ મામલે મોટી બ્રેક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરાઈ કાર્યવાહી : સર જમશેદજી ટાટા શાળા નંબર 81ના આચાર્ય રીટા બુટાણી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમને તાત્કાલિક આચાર્ય પદ પરથી હટાવવામાં આવ્યા છે અને સિનિયર શિક્ષક બનાવવામાં આવ્યા છે. જ્યારે આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે. એવામાં સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે સરકારી શાળામાં ક્યાંક બાળકોને મજૂરી કરાવવામાં આવે છે તો ક્યાંક બાળકોના જીવ જોખમમાં મુકાયા તે રીતે શાળાના છજા ઉપર ચડાવીને સાફસફાઈ કરાવવામાં આવી રહી છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ રહેશે.