- ઠેર-ઠેર બાયોડીઝલના નામે LDO નામનું ડીઝલનું વેચાણ ચાલુ
- પંપ બંધ હતો તો આ ટ્રક ત્યાં શા માટે આવ્યો હતો
- કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
- અનેક વાર ગેરકાયદેસર LDO પમ્પ પર દરોડા કરવામાં આવે છે
રાજકોટઃ જસદણના લીલાપુર રોડ પર આવેલી સોમનાથ હોટલ પાસે ગુરુવારે એક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. જ્યાં આ આગ લાગી હતી ત્યાં બાયો ડીઝલનો પંપ પણ આવેલો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે આ બનાવમાં ટેન્કરમાંથી બાયો ડીઝલ પંપમાં ઠાલવવામાં આવતું હતું, ત્યારે અગમ્ય કારણોસર આગ લાગતાં પંપનો ભાડૂઆત દાઝી જતાં સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા એ બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બે ગાડીઓને પાણીમાં મારો ચલાવી કલાકો પછી આગને કાબુમાં લીધી હતી.
બાયો ડીઝલનો પંપ ભાડેથી ચલાવતો મૂળ જસદણ તાલુકાના કમળાપુર ગામનો અને હાલ જસદણમાં રહેતો ધર્મેશ અરવિંદભાઈ રામાણી પંપે હતો ત્યારે એ પંપની બાજુમાં જ રહેલા ટેન્કરમાં અચાનક આગ લાગતાં આખુ ટેન્કર સળગી ઊઠ્યું હતું. જેમાં ધર્મેશ રામાણી નામનો વ્યક્તિ દાઝી ગયો હતો. જોકે આ પંપ પણ બંધ હાલતમાં દેખાઈ રહ્યો હતો, તો શા માટે બાયોડીઝલ ભરેલું ટેન્કર આ પંપે આવ્યું હતું અને વેચાણ બંધ છે તો શા માટે બાયોડીઝલને ઠાલવવામાં આવતું હતું તે એક સવાલ બન્યો છે.