- રાજકોટ જિલ્લામાં કોરોના સંબંધિત સમગ્ર પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
- કોરોનાની સ્થિતિને લઇને યોજાઇ બેઠક
- કેબિનેટ પ્રધાન હાજર રહ્યા
રાજકોટ : જિલ્લામાં પ્રધાન જયેશ રાદડિયાએ આજે શુક્રવારના રોજ રાજકોટ જિલ્લામાં પ્રવર્તતી કોરોના સંબંધિત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને સમગ્ર જિલ્લામાં ઓક્સિજન-બેડ-રેમડેસીવીરની યોગ્ય વ્યવસ્થા જાળવવા તથા તેના પુરવઠાનું સંતુલન જાળવવા જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે જ બાવળિયાએ શહેરી વિસ્તારોમાં કોરોના દર્દીઓનો ધસારો અટકાવવા માટે ગ્રામ્ય સ્તરે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી, તથા ઓક્સિજનના ઉપલબ્ધ જથ્થાનું યોગ્ય વિભાજન કરવા પણ જણાવ્યું હતું.
રાજકોટની આસપાસના જિલ્લાઓના દર્દીઓને પ્રાથમિકતા
રાજકોટ જિલ્લાની આજુબાજુના જૂનાગઢ-જામનગર -મોરબી જિલ્લાઓમાંથી સારવાર મેળવવા આવતા દર્દીઓને પ્રાથમિકતા આપવા પણ કેબિનેટ પ્રધાનો દ્વારા જે તે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર તથા ઓક્સિજનની સંગ્રહખોરી કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવા જયેશ રાદડિયાએ અધિકારીઓને તાકીદ કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોગ્ય માત્રામાં કોરોનાની દવાના જથ્થા અંગે જયેશ રાદડીયાએ સંબંધિતોને સૂચના આપી હતી. રાજ્ય સરકારે કોરોના સંબંધિત પરિસ્થિતિ અંગે જારી કરેલા પરિપત્રનો અમલ નીચલા સ્તર સુધી થાય તે જોવા રાદડિયાએ ભાર મૂક્યો હતો.
ઓક્સિજન અને ઈન્જેશનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો
ઓક્સિજન તથા રેમડેસીવીરના ઉપલબ્ધ જથ્થાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પર બન્ને કેબિનેટ પ્રધાનોએ ભાર મૂક્યો હતો. નિવાસી અધિક કલેક્ટર પરિમલ ઇન્ડિયાએ બેઠકના પ્રારંભે ઉપસ્થિત તમામ અધિકારીઓને આવકાર્યા હતા. કલેક્ટર રેમ્યા મોહને જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિથી બન્ને પ્રધાનોને વાકેફ કર્યા હતા. આ બેઠકમાં નોડલ ઓફિસર ડૉક્ટર રાહુલ ગુપ્તા, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.