રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામના (હાલ ગોંડલ રહેતા) રાજપુત પરિવારના દિકરીબાના લગ્ન એક વર્ષ પહેલાં ધામેધુમે વરતેજની બાજુમાં કોડિયાત ગામે લગ્ન થયાં હતાં. જે બાદ સાસરિયાં તરફથી દિકરીબાને અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. રાજપૂત પરિવાર એકના એક દિકરીબાને દુઃખ સાંભળી ખૂબ વ્યથિત હતો અને સહન કરવાની સલાહ આપતા હતા.
લોકડાઉન વચ્ચે સાસરિયામાં ગોંધી રખાયેલી પરણિતાનું પરિવાર સાથે મિલન... - ગોંડલ પોલીસ
ગોંડલના રાજપૂત પરિવારના એકના એક દિકરીબાને સાસરિયામાં ખુબ જ ત્રાસ મળતો હોવાને કારણે ઘણા દિવસથી લોકડાઉન કારણે પરિવાર વ્યથિત હતો. જેથી સમાજના અગ્રણી તેમજ તંત્રની મદદથી માત્ર 8 કલાકમાં દિકરીબાને ગોંડલ પોતાના ઘરે સહી સલામત પહોંચાડ્યા હતાં.
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ ઉપર કોરોનાનું સંકટ હોવાથી સમગ્ર દેશમાં લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં એક ગામથી બીજા ગામ જવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ત્યારે દિકરીબા તરફથી તેમના માતા-પિતાને ટેલિફોનથી સતત વિનંતી કરતા હતા કે, મને ગોંડલ ગમે તેમ કરીને તેડી જાવ...નહીં તો હું આત્મહત્યા કરવા મજબૂર બનીશ.. દિકરીબાના ભાઈ પણ ઉંમરમાં નાના છે અને પિતા પણ ખેતી કામ કરતા હતા. જેથી પરિવારની પરિસ્થિતિ કફોડી બની હતી. સગા તથા સ્નેહીજનો દ્વારા સાસરિયાવાળાને સમજાવ્યું કે, દિકરીબાને પોતાના માતા-પિતાને સોંપી દો, પરંતુ કોઈ પણ બાબતમાં આ લોકો સહમત નહોતાં.
દિકરીબાના માતાએ છેલ્લે કોર્ટનું શરણું લેવાનું નક્કી કર્યું હતું. માતાએ પ્રકાશબા ઝાલા (એડવોકેટ અને નોટરી)નો સંપર્ક સાધતાં કોર્ટ બંધ હતી, પરંતુ દંડનીય ફી ભરી કોર્ટે સમન્સ કાઢી આપવાની વાત થઈ હતી. જેથી રાજપૂત પરિવારમાં "જીવમાં જીવ આવ્યો" હતો. પરિવારે કહ્યું કે, દંડ ભરવો પડે તે ભરીશું પણ અમારા દિકરીબાને તાત્કાલિક ઘરે આવે તેવી વ્યવસ્થા કરો. પરિવારે કોર્ટમાં દિકરીબાને સાસરીમાં ખુબ જ દુઃખ છે અને ગોંધી રાખ્યા છે એવી અરજી કરાઈ હતી. કોર્ટે ગોંડલ શહેર પોલીસને સમન્સ પણ પાઠવ્યું, પરંતુ પોલીસ હાલ બંદોબસ્તની કામગીરીમાં હોવાથી સમન્સ બજાવવું તેમજ દિકરીબાને તેડવા જવું અશક્ય હતું. ફરીથી પરિવાર મુસીબતમાં મૂકાયો હતો.
છેલ્લા 10 દિવસથી અન્ન-પાણી હરામ જેવી પરિસ્થિતિ થઈ હતી. પ્રકાશબા ઝાલા (એડવોકેટ અને નોટરી) દ્વારા હાર માન્યા વગર પરિવારને સહાનુભૂતિ આપી તાત્કાલિક ગોંડલના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને સઘડી વાત કરી હતી. રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલ ડી.વાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલા તથા ગોંડલ પોલીસની મદદ માંગી DYSP પી.એ. ઝાલા દ્વારા વરતેજ ઘોઘાના પી.એસ.આઇ. સોલંકીને દિકરીબાને કોડીયાતથી લઈને ગોંડલ પોતાના ઘર સુધી પહોંચાડવાની નિયમ મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
તાત્કાલિક પી.એસ.આઇ. સોલંકી દ્વારા કોડીયાત ગામ જઈને દિકરીબાને આ ત્રાસમાંથી મુક્ત કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસર કાર્યવાહીની નોંધ કરી હતી, ત્યારબાદ હેલ્થ ચેકઅપ કરાવી તાત્કાલિક ભાવનગર કલેક્ટર દ્વારા રોડ પરમીટ આપી પ્રાઇવેટ કાર દ્વારા તંત્રએ દિકરીબાને ગોંડલ પોતાના ઘરે સહી-સલામત પહોંચાડ્યા હતાં. આ સમયે પરિવારમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતાં.