રાજકોટ: 1 માર્ચના રોજ ખેબચડા ગામની સીમમાંથી ચાર દિવસની નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનર અને કલેક્ટરે આ બાળકીને દત્તક લીધી હતી. તેમણે આ બાળકીનું નામ અંબા રાખ્યું છે. શરીર પર અનેક ઘા સહન કરીને મોત સામે ઝઝુમી રહેલી આ બાળકીની હાલત નાજૂક છે. હાલ અંબાની સારવાર અમૃતા નામની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
રાજકોટમાં મોત સામે ઝઝુમી રહેલી બાળકી માટે હોસ્પિટલ સ્ટાફે ચલાવ્યું અનોખું અભિયાન - હોસ્પિટલ સ્ટાફ
રાજકોટમાંથી થોડા દિવસો પહેલાં એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જે બાદ આ બાળકીને સારવાર અર્થે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. આ બાળકીનું નામ અંબા રાખવામાં આવ્યું છે. અંબાની તબીયતમાં સુધારો આવે તે માટે રાજકોટવાસીઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. હોસ્પિટલનો સ્ટાફ અંબાના સારા સ્વાસ્થ્ય માટે સહી ઝુંબેશ પણ ચલાવી રહ્યો છે.
અંબાની સ્થિતિ વહેલાસર સુધરી જાય અને તેનો જીવ બચી જાય, એ માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં હોસ્પિટલની મુલાકાત માટે આવનારા લોકો માટે હોસ્પિટલ બહાર એક બોર્ડ મૂકવામાં આવ્યું છે. તેમજ અંબાનો ફોટો પણ રાખવામાં આવ્યો છે. આ બોર્ડમાં મુલાકાતીઓ દ્વારા બાળકીના સ્વાસ્થ માટે ભગવાનને પ્રાર્થના કરી, બોર્ડ પર સ્લોગન સાથે તેમની સહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, CM રૂપાણીએ હોસ્પિટલ પહોંચી અંબાની તબીયત જાણવા રૂબરૂ મુલાકાત કરી હતી, અને તેની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.