- ગોંડલ નજીક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભભૂકી આગ
- કારમાં ગોંડલનો પરિવાર સવાર હતો.
- આ ઘટનામાં 3 મહિલા બળીને ખાખ
- 2 ફાયર સહિત હાઇવે ઓથોરિટી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
ગોંડલઃ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર બિલિયાળા ગામના પાટિયા પાસે કપાસ ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહન વચ્ચે ટક્કર થતાં આગ ભડકી ઉઠી હતી. આ આગમાં બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા અને કારમાં સવાર ત્રણ મહિલા સળગીને ભડથું થઈ ગઈ છે.
બંને વાહન અને 3 મહિલા આગમાં સળગી ભડથું
બિલિયાળા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત સાથે આગની જાણ નગરપાલિકાના ફાયર ફાઇટરોને થતા બંને ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પરંતુ આ સમય દરમિયાન બંને વાહનો અકસ્માત થતા આગ લાગતા બંને વાહન અને ત્રણ મહિલાઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. અગનગોળો બનેલી કારમાં ગોંડલના ડેરા શેરીમાં રહેતા નિવૃત જીઈબી કર્મચારી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભીખુભા જાડેજાના પત્ની રેખાબા સહિત અન્ય બે મહિલાઓના મોત થયા છે.
આગ પર મેળવાયો કાબૂ
નગરપાલિકાના 2 ફાયર, એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. હાલ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. અકસ્માતની ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક ક્લીઅર કરાવ્યો હતો.