રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વીડિયો કોન્ફરન્સ ઉપસ્થિતિમાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રેમ્યા મોહનને પ્રતીકરૂપે ધમણ -1 વેન્ટિલેટર જ્યોતિ સીએનસીના સીઈઓ પરાક્રમ સિંહે અર્પણ કર્યું હતું. જે રાજકોટની કોવિડ હોસ્પિટલને સુપ્રત કરવામાં આવશે.
આ પ્રંસગે રેમ્યા મોહને ખુશીની લાગણી સાથે જ્યોતિ સીએનસીના સીઈઓ પરાક્રમસિંહનો આભાર માનતા જણાવ્યું હતું કે, જ્યોતિ સીએનસીની ટીમે સ્થાનિક કક્ષાએ ખુબજ ટૂંકા ગાળામાં રિસર્ચ કરીને ઓછી કિંમતે વેન્ટિલેટર તૈયાર કરી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જ્યોતિ સીએનસી દ્વારા ગુજરાતને નિઃશુલ્ક વેન્ટિલેટર્સ આપવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વધાવી અને અભિનંદન પાઠવ્યાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું.
આ અંગે કંપનીના માલિક પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'ધમણ-1 વેન્ટિલેટર મશીન' આઈસીયુ ગ્રેડ વેન્ટીલેટર છે, જે કમ્પ્રેસર બેઈઝ્ડ ટેકનોલોજી આધારિત કામ કરે છે. આ મશીનના નિર્માણમાં જ્યોતિ CNC અને RHP મેડિકલ ટીમ બંનેએ સાથે મળીને વેન્ટિલેટર મેન્યુફેક્ચરિંગનું કામ શરુ કરેલું છે. 12 દિવસમાં 100 મશીનનો પ્રથમ લોટ રાજ્ય સરકારને સોપી રહ્યાં છીએ. જેમાં અમારા 150 જેટલા ઈજનેરોની ટીમ કામ કરી રહી છે.