કુપોષણ મુક્ત રાજકોટનું સ્વપ્ન થશે સાકાર રાજકોટ :ભારત દેશમાં હજુ પણ કેટલાય બાળકોમાં કુપોષણ જોવા મળતું હોય છે. રાજકોટમાં પણ 3,500 કરતા વધુ બાળકો કુપોષિત હતા. જોકે જિલ્લા પંચાયત દ્વારા રાજકોટને કુપોષણ મુક્ત કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપ છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે 814 બાળકો કુપોષણ મુક્ત થયા છે. જિલ્લા વિકાસ અધિકારીએ આશા કરી છે કે, આગામી છ મહિનામાં રાજકોટ જિલ્લો કુપોષણ મુક્ત થઈ જશે.
કુપોષણ મુક્ત રાજકોટ :આ બાબતે વિગતો આપતા રાજકોટ જિલ્લાના વિકાસ અધિકારી દેવ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2023 ના ઓક્ટોબર માસના પ્રથમ અઠવાડિયામાં કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આ અભિયાન શરૂ થયું ત્યારે રાજકોટ જિલ્લામાં 3,500 કરતા વધુ બાળકો અતિ અને મધ્યમ કુપોષિત હતા. આ અભિયાનના ત્રણ મહિલા બાદ જિલ્લાના 800 કરતા વધુ બાળકો કુપોષણ મુક્ત થયા છે. જેમાં 725 બાળકો મધ્યમ કુપોષિત અને 100 કરતા વધુ બાળકો અતિ કુપોષિત હતા.
આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી :દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકો કુપોષિત રહેવાનું મુખ્ય કારણ ખોરાક છે. બાળકોને જે ખોરાક સમયસર લેવાનો હોય તે ન આરોગે અને ઘણી વખત બાળકો ભૂખ ન લાગવાના કારણે કંઈ ખાતા નથી, આવા તમામ બાળકોનો સર્વે કરીને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ બાળકોની અલગ અલગ પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી હતી. તેમજ દર 15 દિવસે બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા પણ આ બાળકો માટે વિવિધ પ્રોટીન અને વિટામિન વાળુ ડ્રાયફ્રુટ તૈયાર કરવામાં આવ્યું હતું. જે સતત બાળકોને ખવડાવવામાં આવતું હતું.
સતત મોનિટરિંગ : દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા બાળકો માટે આપવામાં આવતી સુખડી સહિતનું ભોજન પણ બાળકોને આપવામાં આવ્યા હતા. જ્યારે એક એક બાળકોની પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી હતી. જેના કારણે અમે પણ આ બાળકોનું સતત મોનિટરિંગ કરતા હતા. દર મહિને આંગણવાડીમાં બાળકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જરૂરી ખોરાક અને દવાની જરૂરિયાત હોય છે તે પણ આપવામાં આવે છે.
લાભાર્થી માતાની પ્રતિક્રિયા : રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા છાયા રૈયાણીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર જ્યારે અઢી વર્ષનો થયો અને તેને આંગણવાડીમાં મૂક્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે મારો પુત્ર કુપોષણનો શિકાર બન્યો છે. મને આંગણવાડીના શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા બાળકને ખોરાકમાંથી જોઈએ એવા પોષક તત્વો મળતા નથી. તેની ઉંમર પ્રમાણે તેની હાઇટ અને વજન ઓછો છે. ત્યારબાદ મારા પુત્ર ક્રિયન્સને આંગણવાડીમાં મોકલવાનું ચાલુ રાખ્યું હતું. જ્યાં તે બધા બાળકો સાથે આંગણવાડીમાં આપવામાં આવતો ખોરાક આરોગતો હતો. ઉપરાંત ઘરે પણ મારા પુત્રને જે ખાવું હોય તે ઘરે જ બનાવી આપતી અને જેના કારણે લગભગ એક વર્ષમાં જ મારો પુત્ર કુપોષણ મુક્ત થયો છે.
- Rajkot News: રાજકોટમાંથી 5 ટન કરતાં વધુ અખાદ્ય ચણા જોર ગરમનો જથ્થો ઝડપાયો
- Unique celebration : રાજકોટમાં 31stની અનોખી ઉજવણી, વિદ્યાર્થીઓએ વસ્ત્રોનું દાન કર્યું