- રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થયો
- રાજકોટ શહેર અને જિલ્લામાં પણ સારો એવો વરસાદ
- રાજકોટમાં સિઝનનો 51 ઈંચ જેટલો વરસાદ પડ્યો
રાજકોટઃ રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થયો છે. જેને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ સારો એવો વરસાદ થયો છે. ચાલુ વર્ષના સિઝનની વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રાજકોટમાં સિઝનનો 51 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. એવામાં રાજકોટ શહેર અને જિલ્લામાં સારો વરસાદ થતાં શહેરને પાણી પુરુ પાડતાં ભાદર, આજી અને ન્યારી ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે ત્રણેય ડેમો ઓવરફ્લો પણ થઇ ગયા છે. શહેર અને જિલ્લામાં સારા વરસાદને પગલે આગામી દિવસોમાં રાજકોટ વાસીઓને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.
આ પણ વાંચો:નર્મદાના 9 દરવાજાઓ ખોલવામાં આવ્યા, કરજણ ડેમ ઓવરફ્લો
શ્રાવણ માસ દરમિયાન સર્જાઈ હતી પાણીની સમસ્યા
રાજ્યમાં આ વર્ષે ચોમાસુ પાછું ખેંચતા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ માસ દરમિયાન જ પાણીની સમસ્યા સર્જાવાની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે પીવાના પાણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના મારફતે રાજ્ય સરકાર પાસે નર્મદાના નીર માંગણી કરવામાં આવી હતી. આ સાથે જ ભાદર ડેમમાં પણ પાણીના સ્તર ઘટી ગયા હતા. એવામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું કે પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખવો તે પણ પ્રશ્નો સામે આવ્યો હતો. જોકે ભાદરવા મહિનામાં સારો વરસાદ થતાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. જેને લઇને આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યાઓ ટળી છે.