રાજકોટઃ રાજકોટમાં કોરોનાના વધતા કેસને લઈને મનપા દ્વારા પ્રથમ શાકભાજીવાળાઓના કોરોના ટેસ્ટ અને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને તે માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા. ત્યારે હવે રાજકોટ શહેરના અંદાજીત 4 હજાર જેટલા સફાઈ કામદારના પણ કોરોના ટેસ્ટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટમાં 45 સફાઈ કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં 45 સફાઈ કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
રાજકોટ વેસ્ટઝોનમાં આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે ઇસ્ટઝોનમાં હજુ પણ આ કામગીરી શરૂ છે ત્યારે અત્યાર સુધીમાં 2 હજાર જેટલા સફાઈ કામદારોનું ચેકીંગ કરવામાં આવ્યું છે અને તેમાંથી 45 જેટલા સફાઈ કામદારોને કોરોના પોઝિટિવ આવ્યો છે. હજુ પણ સફાઈ કામદારોના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ છે. 45 જેટલા સફાઈ કર્મીઓને કોરોના પોઝિટિવ આવતા તેમને આઇસોલેશન અને હોમ કોરોન્ટાઇન કરવાની કામગીરી પણ કરાઈ રહી છે. મનપા આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું કે, રાજકોટ શહેરમાં કોરોનાનો ચેપ વધતો અટકે તે માટે હાલ જેમ બને તેમ વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.