રાજકોટ: જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં ભાદર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ઘણા સમયથી ધમધમતી હતી. આ બાબતે આ ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટીરીંગ સેલ દ્વારા થોડા સમય પૂર્વે એક રેડ કરવામાં આવી હતી. રેડમાં દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના સાધનો કિંમત રૂપિયા 42 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. રેડ બાદ સ્થાનિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલોના સીખરો ઊભા થયા હતા. જે બાદ આ મામલે તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ બાદ જેતપુર સિટી પોલીસના ત્રણ પોલીસ કર્મીઓને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી નાખ્યા છે.
રક્ષક જ ભક્ષક?: સ્ટેટ મોનિટીરીંગ સેલની આ રેડ બાદ રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ સોંપવામાં આવેલ હતી. જેમાં કેટલાક પોલીસ કર્મીઓની કોલ ડિટેઇલમાં બુટલેગર સાથેની કોલ ડિટેઇલ મળી આવી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા જેતપુર સીટી પોલીસના ડી-સ્ટાફના બે અને એક અન્ય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઘનુભા જાડેજા, જગદીશ ઘૂઘલ અને નીલેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. આ પોલીસ કર્મીઓ દ્વારા બુટલેગર સાથે સાંઠગાંઠથી એકસાથે ત્રણ પોલીસ કર્મીનો ભોગ લેવાતા પોલીસ બેડામાં સન્નાટો છવાય છે. લોકોમાં પણ રક્ષક જ ભક્ષક અને ફૂટેલ હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચોપતિના મોત અંગે પૂછપરછ કરતાં મહિલાનું મોઢું કાળું કરી ચંપલનો હાર પહેરાવ્યો