રાજકોટઃ ડુંગળીના ભાવ ઘણી વખત ખેડૂતો અને ગૃહિણીઓ રડાવતા હોય છે. પરંતુ આ વર્ષે રાજ્યમાં પડેલા સતત વરસાદને કારણે ખેડૂતોના ડુંગળીના પાક પર પાણી ફરી વળ્યું છે. ડુંગળીના પાકમાં ખેડૂતોના ખાતર, દવાના ખર્ચાઓના અંતે પણ ડુંગળીના પાકને અનૂકુળ હવામાન ન હોવાની અને સાથે-સાથે રોગચાળાના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ થઇ રહ્યો છે. ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ જવાની સાથે ગત વર્ષે ઉનાળામાં મોટાભાગના ખેડૂતોએ ઉત્પાદન કરેલી ડુંગળીનો પાક અસહ્ય ગરમીને કારણે બગડી ગયો છે. જેના કારણે ખેડૂતોને ડુંગળીનો પાક ભાવ મળે તે પહેલા જ ફેંકી દેવો પડ્યો છે. ત્યારે માર્કેટ યાર્ડમાં ડુંગળીની ઓછી આવક કારણે ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.