- રાજકોટમાં કિસાન સંઘના 12 ખેડૂતોની કરાઈ અટકાયત
- કિસાન સંઘ એ ભાજપની જ ભગીની સંસ્થા
- બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું
રાજકોટઃ છેલ્લા એક અઠવાડિયાથી દેશભરના અલગ અલગ રાજ્યના ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેને સમર્થન આપવા માટે રાજકોટ કિસાન સંઘ દ્વારા આજે (શુક્રવાર) આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં કિસાન સંઘના નેતાઓ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતાં કરતાં જિલ્લા કલેકટર કચેરી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે બાદ કિસાન સંઘના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટમાં કિસાન સંઘના 12 ખેડૂતોની કરાઈ અટકાયત 12 જેટલા ખેડૂત નેતાઓની કરાઈ અટકાયત કિસાન સંઘ દ્વારા દિલ્હીમાં યોજાઈ રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય તાત્કાલિક લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જેને લઇને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કલેકટર કચેરીમાં માત્ર ચાર જ કિસાન સંઘના આગેવાનોને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતોના સમર્થનમાં વિરોધ કરી રહેલા કિસાન સંઘના 12 નેતાઓની અટકાયત કરી પ્રદ્યુમનનગર પોલીસ મથકે લઈ જવાયા હતા.
કિસાન સંઘ એ ભાજપની જ ભગીની સંસ્થા
કેન્દ્રમાં ભાજપની સરકાર છે તેમજ ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, ત્યારે કિસાન સંઘ એ ભાજપની ભગીની સંસ્થા માનવામાં આવે છે. ભાજપ સરકાર વિરુદ્ધ ભગીની સંસ્થા દ્વારા વિરોધ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. કિસાન સંઘની માગણી છે કે, વિરોધ કરી રહેલા ખેડૂતોની માગણી તાત્કાલિક સંતોષવામાં આવે અને તેમજ તેમણે ઘરે જવા દેવામાં આવે. આ સાથે જ ખેડૂતોને હજુ પણ પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી, તે અંગે પણ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે.