રાજકોટ: ગોંડલ પંથકમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે વોરાકોટડા રોડ પર આવેલી સબજેલમાં પણ કેદીઓ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે.
ગોંડલની સબજેલ બની કોરોના હોટસ્પોટ, વધુ 10 કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યા - covid-19 hot spot in rajkot
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી સબજેલની મુલાકાત લેવામાં આવતા 43 કેદીનો રેપિડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 10 કેદીઓ કોરોના પોઝિટિવ નીકળતા જેલતંત્ર હચમચી ગયું હતું.
ગતરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સબ જેલની મુલાકાત વેળાએ તમામ કેદીઓનો રેપિડ કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને પગલે જેલર ડી કે પરમાર અને આરોગ્ય તંત્ર દ્વારા શુક્રવારે 43 કેદીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 10 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલતંત્ર હચમચી ગયું હતું.
જેલર ડી કે પરમારે જણાવ્યું હતું કે, હાલ ગોંડલ સબજેલમાં 103 કેદીઓ સજા ભોગવી રહ્યા છે. ત્યારે બેરેક નંબર 3 અને 4માં રહેતા આશરે 43 કેદીઓના કોરોના ટેસ્ટ કરતા 10 કેદીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સદનસીબે જેલતંત્રના કોઈ કર્મચારી કે અધિકારીઓ હજી સુધી સંક્રમિત થયા નથી. અત્યાર સુધીમાં સબજેલમાં 23 કેદીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.