- રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી ભારે વરસાદ
- અત્યાર સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો
- વરસાદના કારણે શાળા-કોલેજોમાં વહીવટીતંત્ર દ્વારા રજા
રાજકોટ: શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે અત્યાર સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદ હજુ પણ અવિરતપણે ચાલુ છે. શહેરના મોટાભાગના રાજમાર્ગો વરસાદને કારણે નદીમાં ફેરવાયા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પણ ઘૂસી ગયા હતા. રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજોમાં વહીવટીતંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે શહેરમાં કોઇ વરસાદના કારણે દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસો બાદ ભારે વરસાદ આવતાં અડધું રાજકોટ બેટમાં ફેરવાયું હતું.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો
રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ આવતા ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો છે. જેને લઈને ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામોના નાગરિકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર છે અને ડેમમાં 2,093 ક્યૂસેક પાણીની આવક થઇ છે.
આ પણ વાંચો:અરવલ્લીમાં મૂશળધાર વરસાદ થતા જળાશયો અને નદીઓમાં નવા નીર આવ્યા
રાજકોટના આજી-2 ડેમના ચાર દરવાજા 1.5 ફુટ ખોલાયા
રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેના આજી-2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા,બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવ-રજવર નહીં કરવા અને સાવચેત રહેવા તંત્ર સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 73.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યુસેક પાણીની આવક થઈ છે.