રાજકોટ: દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાના ઘરનું ઘર મળી રહે તેના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ઘરવિહોણા તમામ લોકોને પાકા મકાનો બનાવવા માટે તથા જર્જરીત મકાનોમાં રહેતા લોકોને પણ પાકા મકાનો બાંધવા માટે નાણાંકિય સહાય પુરી પાડવામાં આવે છે. જેમાં કુલ મળીને અંદાજીત રૂપિયા દોઢ લાખની સહાય સરકાર દ્વારા અરજદારને આપવામાં આવે છે. જ્યારે કોઈ પણ લાભાર્થી આ યોજના અંતર્ગત અરજી કરે અને જો તે લાભ મેળવવા માટે સક્ષમ હોય તો તેને પ્રથમ હપ્તા પ્રમાણે રૂપિયા 1.20 લાખ ચૂકવામાં આવે છે. ત્યારબાદ આ જ યોજના અંતર્ગત શૌચાલય બનાવા માટે રૂપિયા 12હજાર પણ મળે છે અને અંતમાં ત્રણ મહિના માટે મનરેગામાં પણ 90 દિવસની રોજગારી મળે છે. જેમાં રૂપિયા 18 હજારની રકમ મળવા પાત્ર થાય છે.
આ સમગ્ર મામલે રાજકોટમાં હાલ પ્રધાનમંત્રી આવસ યોજનાની શુ પરિસ્થિતિ છે તે જાવા માટે ETV ભારત દ્વારા રાજકોટ ગ્રામ્ય વિકાસ સહાય એજન્સીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ થઈ ત્યારથી એટલે કે વર્ષ 2016-17થી અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 1300 જેટલા લાભાર્થીની સહાય મંજુર કવામાં આવી છે. જેમાંથી અત્યારે 1 હજાર જેટલા લાભાર્થીઓને પોતાના ઘરનું ઘર પણ મળી ગયું છે.