પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લાકક્ષાનો શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટીવલ યોજાયો હતો. જેમાં પોરબંદર જિલ્લાની જુદી જુદી શાળાઓના 42 શિક્ષકોએ પોતાની ઇનોવેશન કૃતિઓ રજુ કરી હતી. આ ફેસ્ટીવલમાં હિરીબહેન અને લીલુબહેને રજુ કરેલી ગુજરાતી વ્યાકરણમાં આર્ટ એન્ડ ક્રાફટનો જાદુ કૃતિ પ્રથમ નંબરે વિજેતા બનતા આ કૃતિ રાજ્ય લેવલના ઇનોવેશનમાં રજુ કરાશે.
શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટીવલમાં જપરસીમ શાળાના શિક્ષિકાની કૃતિ પ્રથમ નંબરે વિજેતા થઇ ગુજરાતી ભાષા અને વ્યાકરણમા વિદ્યાર્થીઓનો ઓછો રસ હોવાથી એકમ કસોટીમાં શિક્ષિકા બહેનોને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓ પ્રી.ટેસ્ટમાં ગુજરાતી વ્યાકરણ છોડી દેતા હતા. જેથી બન્ને બહેનોએ એવુ નક્કી કર્યું કે, કંઇક એવી પ્રવૃતિ કરવામાં આવે જેમાં વિદ્યાર્થીઓનો રસ જળવાઇ રહે અને ગુજરાતી ભાષા અને વ્યાકરણ શીખવા પણ મળે. જિલ્લા કક્ષાએ કૃતિ વિજેતા થતા ભાષાના બન્ને શિક્ષિકાઓએ કહ્યુ કે, અત્યારે બધી જગ્યાએ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી શીખવાની હરિફાઇ લાગી છે. ત્યારે વિદ્યાથીઓ માતૃભાષાનું પાયાનું જ્ઞાન મેળવી છંદ, અલંકાર, વાક્ય પ્રયોગો સહિત ભાષા અને વ્યાકરણ શીખે તે માટે અમે એક ડિઝાઇન નક્કી કરી જેમાં વિદ્યાર્થીઓ પશુ, પક્ષી, વૃક્ષો, પર્યાવરણની કાળજી રાખવાની સાથે ગુજરાતી પણ શીખે.
શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટીવલમાં જપરસીમ શાળાના શિક્ષિકાની કૃતિ પ્રથમ નંબરે વિજેતા થઇ હિરી બહેને વિશેષ કહ્યુ કે, સરકારી શાળાઓમાં આ પ્રકારની પ્રવૃતિઓ થવી જોઇએ. જેથી વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળાની જગ્યાએ સરકારી શાળામાં પ્રવેશ અપાવે. સરકાર દ્રારા વિદ્યાર્થીઓ માટે અઢળક કાર્યક્રમો થતા હોય છે. લીલુ બહેને કહ્યુ કે, ભાષાના એક શિક્ષિકા તરીકે મેં અત્યારે પણ કઇકને કઇક શીખવાનું ચાલુ જ રાખ્યુ છે. જેથી વિદ્યાર્થીઓને પણ સારી રીતે સમજ આપી શકું, આર્ટ એન્ડ ક્રાફટનો જાદુ કૃતિ બનાવવા અમે જાતે જ મહેનત કરી છે. શાળા પછીના સમય દરમ્યાન આ પ્રવૃતિ માટે કામ કરતા અને તે માટે શાળાના આચાર્ય ભરતભાઇ મકવાણા તથા અન્ય તમામ સ્ટાફનો પુરો સહકાર મળ્યો છે.
હિરીબહેને વિશેષ કહ્યુ કે, આર્ટ એન્ડ ક્રાફટનો જાદુ દ્રારા વિદ્યાર્થીઓને વ્યાકરણ સમજાવ્યા બાદ એક ટેસ્ટ લીધી તો ખ્યાલ આવ્યો કે, મોટા ભાગના વિદ્યાર્થીઓ કે જે વ્યાકરણ છોડી દેતા હતા તેઓ ઉત્સાહથી ગુજરાતી ભાષા અને વ્યાકરણના જવાબ લખી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વિષય શીખવા માટેનો રસ ઉજાગર કરવોએ શિક્ષકની જવાબદારી છે. શાળાના આચાર્યએ કહ્યુ કે, આર્ટ એન્ડ ક્રાફટનો જાદુ કૃતિને એજ્યુકેશન ફેસ્ટીવલમાં નિહાળ્યા બાદ અન્ય શાળાના શિક્ષકો પોતાની શાળામાં આ પ્રવૃતિ દ્રારા વિદ્યાર્થીઓને વ્યાકરણ શીખવી રહ્યા છે. આમ સરકાર દ્રારા યોજાતો શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટીવલના માધ્યમથી જ્ઞાન અને વિચારની આપ લે થાય છે. જેનો લાભ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજને મળે છે.