- પોરબંદરમાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની રાજ્ય કક્ષાએ ઉજવણી
- ગુજરાતભરના 500 જેટલા સ્પર્ધકો જોડાયા
- માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવા ત્રિવિધ કાર્યકમનું આયોજન
પોરબંદરઃ પ્રાચીનકાળમાં માનવજીવન ઘણું સરળ હતું. માનવીની જરૂરિયાતો મર્યાદિત હતી. જ્યારે આજે આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓ અમર્યાદિત બની ચૂકી છે. તેના કારણે મનમાં અસંતોષ, ઘૃણા, નફરત વગેરેથી જીવન તનાવપૂર્ણ અને હતાશાગ્રસ્ત બની ગયું છે. આવી પરિસ્થિતિમાં માનવીનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ બની રહી છે, એટલા માટે માનવજીવનમાં શારીરિક સ્વાસ્થ્યની જેમ જ માનસિક સ્વાસ્થ્ય તરફ પણ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. આથી લોકજાગૃતિ માટે 10મી ઓક્ટોબરના રાણાવાવની સરકારી વિનયન કોલેજમાં પણ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ત્રિવિધ કાર્યકમનું આયોજન કરાયુ હતું.
વેબીનારમાં સમગ્ર ગુજરાતભરના 500 જેટલા સ્પર્ધકો જોડાયા
સરકારી વિનયન કોલેજ, રાણાવાવ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે તે હેતુથી “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ” નિમિત્તે ત્રિવિધ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્યો, રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા અને ‘માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ ક્વિઝ સ્પર્ધા-2020’નું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી વિનયન કોલેજ રાણાવાવના આચાર્ય ડૉ. કે. કે. બુધભટ્ટીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ડૉ. મયુર વી. ભમ્મરના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતભરના 500 જેટલા સ્પર્ધકો જોડાયા હતા.