પોરબંદરના ખાપટમાં પાણી મુદ્દે મહિલાઓએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચિમકી - Porbandar
પોરબંદર: જિલ્લામાં ઓછા વરસાદના કારણે પાણીની મોટી સમસ્યા સર્જાઇ છે, ત્યારે પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી માટે સામાન્ય લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં છેલ્લા 30 દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ રોષે ભરાઇ હતી. તમામ મહિલાઓએ પાલિકાનો ઘેરાવ કર્યો હતો અને સમયસર પાણી નહીં આપવામાં આવે તો હજુ પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સ્પોટ ફોટો
પોરબંદરમાં અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં પાણીની સમસ્યા સર્જાય છે પરંતુ પાલિકા દ્વારા કોઈ ચોક્કસ આયોજન ન કરાયું હોય તેવું સાબિત થયું છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં છેલ્લા 30 દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. પીવાના પાણીને લઈને આ વિસ્તારની મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે, તો ભામરુ પાણી પીને અનેક લોકો માંદા થઇ ગયા હોય તેવું પણ મહિલાઓએ જણાવ્યું હતું. આવતીકાલ સુધીમાં પાણી નહીં આવે, તો તમામ મહિલાઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.