પોરબંદરઃ જિલ્લામાં 21 ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યના પાણી પૂરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે કુતિયાણા તાલુકાના પસવારી અને કાસાબડ ગામ ખાતે નર્મદા પાઇપલાઇન કામગીરી સાઇટનું નિરીક્ષણ કર્યુ હતું.
પાણી પૂરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ પોરબંદરમાં કામગીરી સાઇટનું નિરીક્ષણ કર્યું - કુવરજીભાઇ બાવળીયા ન્યૂઝ
પાણી પૂરવઠા પ્રધાન કુવરજીભાઇ બાવળીયાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓ કુતિયાણા તાલુકાના પસવારી અને કાસાબડ ગામ ખાતે નર્મદા પાઇપલાઇન કામગીરી સાઇટનું નિરીક્ષણ કરવા પહોંચ્યાં હતાં.
પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ તા. 21 ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે કુતિયાણા તાલુકાના કાસાબડ ગામની મુલાકાત લઇ પસવારી હેડવર્કસથી કાસાબડ સુધીની નર્મદાની પાઇપલાઇન કામગીરીની સ્થળ મુલાકાત કરી કામગીરીનુ નિરીક્ષણ કરી જરૂરી સુચનો રજૂ કર્યા હતા. કુતિયાણા ગૃપ ઓગ્મેન્ટશન પાણી પૂરવઠાની મુલાકાત લઇ કાસાબડ મહેર સમાજ ખાતે કાસાબડ ગામના સામૂહિક પ્રશ્નો સાંભળ્યા હતા.
આ પ્રસંગે પોરબંદર જિલ્લાનાં સાંસદ રમેશભાઇ ધડુક ઉપસ્થિત રહ્યા હતા. પસવારી હેડવર્કસથી કાસાબડ સુધીની નર્મદાની પાઇપલાઇની કામગીરી સરકાર દ્વારા કરાતા કાસાબડ ગામ લોકોએ આ તકે પ્રધાન કુવરજીભાઇ બાવળીયા તથા સાંસદ રમેશભાઇ ધડુકનો આભાર વ્યક્ત કર્યો હતો. પાણી પૂરવઠા વિભાગના અધિકારી સિંધવે જિલ્લામાં ચાલતી પાણી પુરવઠાની કામગીરીની પણ માહિતી આપી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.