પોરબંદર: પોરબંદરમાં ગુરુવારે કોરોના પરીક્ષણ માટે કુલ 95 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 16 સેમ્પલ પોરબંદરની લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી 15 નેગેટિવ અને એક પોઝિટિવ આવ્યો હતો જ્યારે 79 રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એક પોઝિટિવ અને બે રીપોર્ટ રિજેક્ટ થયા હતા જ્યારે 76 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.
પોરબંદરમાં વધુ 2 કેસ કોરોના પોઝિટિવ આવતા ચકચાર - પોરબંદરમાં કોરોના હોસ્પિટલ
પોરબંદરમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે. ત્યારે ગુરુવારે ફરીથી બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ચકચાર મચી ગઇ છે અને લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
પોરબંદરમાં મહારાજ ભાગ રામધુન મંદિર પાસે રહેતી 36 વર્ષની મહિલા જે સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તથા સિગ્મા સ્કૂલની પાસે રહેતા 57 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બંનેના રહેંણાક આસપાસ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતીને આધારે પોરબંદરમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ દર્દીઓ 43 થયા છે. જેમાંથી 12 પોરબંદરના, 2 જામનગરના, 4 રાજકોટ અને એક જૂનાગઢના દર્દીઓ સહિત કુલ 19 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે અને પોઝિટિવ દર્દીઓમાંથી સ્વસ્થ થયેલા 22 દર્દીઓ છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં બે મૃત્યુ થયેલ છે જેમાં એક દર્દીનું મૃત્યુ એપોલો હોસ્પિટલ ગાંધીનગર ખાતે થયેલું છે.