હિટ એન્ડ રન ઘટનામાં બે આરોપી ડિટેક્ટ થયા પોરબંદર :શહેરના કર્લી પુલ નજીક ગતરોજ હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. આ અકસ્માતમાં એક ટ્રાફિક બ્રિગેડના મહિલા કર્મચારીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા આ અકસ્માત સર્જનાર આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. ઉપરાંત આરોપીઓને તપાસ શરૂ કરવામાં આવી છે.
શું હતો બનાવ ?ગતરોજ કર્લી પુલ પર એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાયા બાદ કારચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી એક યુવતીનું મોત નીપજ્યું હતું. ઉપરાંત અન્ય ચાર લોકોને ઇજા પહોંચી હતી. એક ઈજાગ્રસ્તને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
2 આરોપીની ઓળખ થઈ : આ અંગે પોરબંદર DySP ઋતુ રાબાએ મીડિયાને જણાવ્યું હતું કે, કારમાં બેસેલ એક શખ્સ સહિત કારચાલકનું ડિટેકશન થઈ ગયું છે. કાર માલિક સંદીપ ઓડેદરા તથા કારચાલક રામ ઓડેદરાની ઓળખ થઈ ગઈ છે. બંનેને પકડવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતની ઘટના સમયે કારચાલક દારૂ પીધેલ હાલતમાં હતો કે કેમ તે અંગે પણ આરોપી પકડાયા બાદ ખ્યાલ આવશે.
મૃતકની અંતિમયાત્રા :પોરબંદરમાં કર્લી પુલ પર ગઈકાલે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી શિવાની હસમુખભાઈ લાખાણી નામની યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન આશીર્વાદ એપાર્ટમેન્ટથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ટીઆરબી જવાનોએ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરી હતી.
- પોરબંદર ન્યૂઝ: કર્લીના પુલ પાસે કાર ચાલકે પાંચ લોકોને અડફેટે લીધા, ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી યુવતીનું મોત
- પોરબંદરમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને યાદ કર્યા, જાણો વિશ્વ સંભારણા દિવસનું મહત્વ