તુલસી વિવાહમાં ઉપયોગમાં લેવાતા ઈક્ષુદંડ(શેરડી)નું ધાર્મિક ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે છે અત્યંત મહત્વ પોરબંદરઃ હિન્દુ પર્વો અને ઉત્સવોની ઉજવણીનું ધાર્મિક ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ છે. આ પર્વોની ઉજવણીમાં વપરાતી વસ્તુઓ માનવોના આરોગ્યને અનુકૂળ અને લાભદાયી હોય તે રીતે પસંદ કરવામાં આવે છે. આવા જ એક પર્વ તુલસી વિવાહમાં વપરાય છે માનવોના આરોગ્યને લાભદાયી એવો ઈક્ષુદંડ એટલે કે શેરડી.
તુલસી વિવાહમાં શેરડીનું મહત્વઃ તુલસી વિવાહમાં શાલીગ્રામ બનેલા ભગવાન વિષ્ણુ અને તુલસી બનેલ વૃંદાના વિવાહ કરાવવામાં આવે છે. જેમાં ચારેય દિશામાં ઈક્ષુદંડ એટલે કે શેરડીને રોપીને તેનો મંડપ બનાવવામાં આવે છે. આ મંડપની અંદર તુલસી વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે. સમગ્ર વિધિ બાદ આ શેરડીને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
શેરડીનું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વઃ તુલસી વિવાહ શરદ ઋતુમાં કરવામાં આવે છે. આ ઋતુમાં માનવીમાં પિત્તનો પ્રકોપ જોવા મળે છે. શેરડી ઉત્તમ પિત્તનાશક હોવાથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તેથી તુલસી વિવાહમાં શેરડીનું ખૂબ જ મહત્વ છે. જેનો ઉપયોગ પ્રસાદ તરીકે ઉપયોગ શરીર માટે લાભદાયી છે.
ભગવાન વિષ્ણુ શાલીગ્રામ અને વૃંદા તુલસી તરીકે ધરતી પર અવતર્યા. તેમનો વિવાહ એટલે તુલસી વિવાહ. આ લગ્ન થાય ત્યારે શેરડીના ચાર સાંઠા બાંધવામાં આવે છે જેને સંસ્કૃતમાં ઈક્ષુ દંડ કહેવામાં આવે છે. ભગવાનને તેના રસથી સ્નાન પણ કરવામાં આવે છે. સનાતન ધર્મમાં દરેક લોકોના ઘરે ચાર શેરડીથી મંડપ બાંધે છે. તુલસી વિવાહ બાદ શેરડીનો પ્રસાદ પણ લેવામાં આવે છે. શેરડીમાંથી શર્કરા પણ બને છે જેને આપણે મીસરી પણ કહીએ છીએ. આ મીસરીનો પ્રસાદ ઠાકોરજીને ચઢાવીને ભકતજનોમાં વહેંચવામાં આવે છે...જીતેન્દ્ર જોશી(પ્રધાન આચાર્ય, માણેકબા સંસ્કૃત પાઠશાળા, પોરબંદર)
કારતક સુદ અગિયારસ એટલે શરદ ઋતુનો સમય. શરદઋતુમાં સ્વાભાવિક રીતે પિત્તનો પ્રકોપ હોય છે. સામાન્ય રીતે એવું છે કે ભારતીય ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાન કરવામાં આવતી રીતો અને ક્રિયાઓ વાતાવરણના ફેરફારની સાથે આપણા શરીરમાં એડજસ્ટ કરવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા પણ હોય એવું લાગે છે. શેરડી મધુર રસ પ્રદાન કરે છે અને તેનો ગુણધર્મ શીત એટલે કે ઠંડો છે. આ ઋતુ દરમિયાન શેરડીનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી આપણા શરીરમાં વધેલા પિતનું શમન થાય છે. તેમજ ચરક સંહિતામાં કહેવાયું છે કે ઈક્ષુ રસો મૂત્ર જનનાનામ એટલે કે શેરડીના તત્વો મૂત્ર વિસર્જમાં પણ મદદરુપ થાય છે...ડૉ. સનત જોશી(આયુર્વેદ વૈદ, પોરબંદર)
નાસિકથી આ શેરડી આવે છે અને હાલ તેનો એક શાખાનો ભાવ 50 થી 60 રૂપિયા છે. દેવ દિવાળીના આગલા દિવસે 10 મણ જેટલું વેચાણ થયું છે...વાસીમ આસમ(વેપારી, પોરબંદર)
- Kutch News : પંચકર્મ સારવાર લાઈવ ડેમો સહિત આયુર્વેદિક ઉપચાર અંગે લોકોએ મેળવી માહિતી, ભુજમાં આયુષ મેળો યોજાયો
- ખુલ્લા મેદાનમાં આવેલા મંદિરે 70 વર્ષથી તુલસી વિવાહનું આયોજન, જૂઓ આ વર્ષે કેવી તૈયારીઓ જોવા મળી