પોરબંદર : વિનામૂલ્યે સિંગાપુર મલેશિયા ક્રુઝની વિદેશયાત્રા ફાઉન્ડેશન દ્વારા તેમના ચેરમેન રિઝવાન આડતીયાની પ્રેરણાથી ગુજરાતના અલગ અલગ વૃધ્ધાશ્રમોમાંથી કુલ 30 જેટલા જરૂરિયાતલક્ષી વડીલોની પસંદગી કરી તેઓને વિના મુલ્યે સિંગાપોર, મલેશિયાના વિદેશયાત્રા પર આગામી તારીખ 23 ફેબુઆરીથી તારીખ 1લી માર્ચ 2020 એમ કુલ ૪ (આઠ) દિવસના પ્રવાસ પર લઈ જનાર છે.
રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા સીટીઝનો માટે વિનામુલ્યે વિદેશયાત્રાનું આયોજન - porbandar news
રિઝવાન આડતિયા ફાઉન્ડેશન એશિયા અને આફ્રિકાના દેશોમાં અનેકવિધ વિકાસલક્ષી પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. આ પ્રવૃતિઓના અમલીકરણમાં ફાઉન્ડેશન દ્વારા ઉંમર, શારીરિક ક્ષમતા, જાતિ, ધર્મ કે રાજકીય મત વગેરે પ્રકારના ભેદભાવ રાખ્યા વગર સ્વાસ્થ્ય , શિક્ષણ, રોજગાર અને આજીવિકા જેવા વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય છે. રિઝવાન આડતિયા ફાઉન્ડેશન એ લોકોની જીવનશૈલીમાં સુધારો કરી તેમને આત્મનિર્ભર બનાવવા અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ વડે તેમને સમૃધ્ધ બનાવવાનું બીડું ઝડપ્યું છે. ફાઉન્ડેશનની સામાજિક પ્રવૃતિઓમાં સિનિયર સીટીઝનો માટે પસંદગી મેળા, સાર્વજનિક સર્વરોગ નિદાન કેમ્પ, મહિલા સશક્તિકરણ, કોમ્યુનિટી હોલ, જરૂરિયાતવાળા વડીલોને વિના મુલ્ય વિદેશ યાત્રા, વડીલો માટેના ભાવ વંદન કાર્યક્રમો વગેરેનો સમાવેશ થાય છે. આમ, સમગ્ર સમાજના પ્રત્યેક વર્ગને સુયોગ્ય અને યથાર્થ તક મળી રહે છે.
આ પ્રવાસમાં વડીલોની સાથે ફાઉન્ડેશન દ્વારા સુરત ખાતે યોજાયેલા સમૂહલગ્નોમાંથી પિતા વિહોણી દીકરીઓના 8 (આઠ) દંપતીઓને પણ સામેલ કરેલા છે. પ્રવાસમાં જોડાયેલા તમામની જરૂરિયાતો પર ધ્યાન આપવામાં આવ્યું છે જેમ કે પાસપોર્ટ બનાવવાથી લઈ સામાન માટે બેગ આપવી, ફિઝિકલ સપોર્ટ માટે વોલિયેન્ટર્સને સાથે લેવા, તમામના ટ્રાવેલ ઇસ્યોરન્સ લેવા, અશક્ત વ્યક્તિ માટે વહીલચેરની વ્યવસ્થા ઉપરાંત દરેકની વ્યક્તિગત જરૂરિયાતો તેમના કુટુંબના સભ્યો, વૃધ્ધાશ્રમોમાંથી જાણીને નોંધવામાં આવેલ છે.
સિંગાપોર મલેશિયાની હવાઈ તેમજ દરિયાઈ સફર અને વિશ્વ પ્રસિદ્ધ જોવાલાયક સ્થળોના સુંદર સંસ્મરણો તેમને ક્યારેય ભુલાશે નહી. આઠ દિવસની આ યાત્રા તેમની જિંદગીના યાદગાર દિવસો બની રહેશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ, મોટી ઉંમરે સંતાનો ધંધા, રોજગાર, લગ્ન કરી દૂર જતા હોય છે, ત્યારે ઘણી વખત ઉંમરલાયક માં-બાપ એકલતા અનુભવે છે. અનિવાર્ય સંજોગોમાં ઘણા વડીલોએ વૃધ્ધાશ્રમોમાં આશરો લેવો પડતો હોય છે અને પાસે નજીકના સ્નેહી-સંતાનો ન હોય તેવી સ્થિતિમાં ઘણી વખત ડિપ્રેશનમાં જતા રહે છે, ત્યારે આ પ્રકારના આયોજનથી તેમને પોતાની સમકક્ષ સમાન વિચારધારા વાળી વ્યક્તિઓ સાથે હળવા મળવા આનંદની તક મળશે અને આજની યુવા પેઢી પણ સિનિયર સિટિઝનોની સમસ્યા વિષે જાગૃત થશે તેવું રિઝવાનભાઈ આડતિયાની આ સેવા ભાવિ સંસ્થા માને છે.
એક એવા ભારતીય વિદેશી કે જેમનું દિલ વિદેશમાં રહ્યા પછી પણ ભારતીયો માટે ધબકી રહ્યું છે. નાનપણથી જ પરોપકારી જીવ ધરાવીને તેમણે પોતાના જીવનમાં સારી આદતો છે. પહેલા, વહેલા સવારે ૩ કલાકે ઉઠીને મેડિટેશન કરવાની અને બીજી માનવસેવામાં જીવન વિતાવવાની. મૂળ પોરબંદર ગુજરાતના વતની અને છેલ્લા 10 વર્ષથી આફ્રિકાના મોઝામ્બિક શહેરમાં સખત મહેનત કરીને આજે મોટું એમ્પાયર ખડું કરનારા રિઝવાન આડતિયાએ તેમના રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા સમાજના દરેક વર્ગોને ધ્યાનમાં રાખી વિવિધલક્ષી સામાજિક પ્રવૃતિઓ હાથ ધરી સમાજમાં માનવતાની મહેક ફેલાવી છે. તેમના જીવન ચરિત્ર ઉપર બનેલ “રિઝવાન” નામનું મુવી પણ તારીખ 28.02.2020ના રોજ ગુજરાત અને ભારતભરના શહેરોમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.