પોરબંદરમાં આવેલા સુભાષનગર વિસ્તારમાં લોકો પાણીની તંગીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં દસ હજાર લોકો વસવાટ કરે છે. જેમાં માત્ર 10 હેન્ડ પંપ છે અને તે પણ જર્જરિત હાલતમાં છે. જ્યારે કેટલાક હેન્ડ પંપમાં ખુબ જ ખારું પાણી આવે છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા પીવાના પાણીનું વિતરણ અનિયમિત રીતે કરવામાં આવે છે અને આ વિસ્તારમાં રહેતા પરિવારની આર્થીક સ્થિતિ નબળી હોવાથી પાણી વેંચાતું લઇ શકે તેવી સ્થિતિ નથી.
તરસ્યું પોરબંદર ! બુંદ બુંદ કો તરસે ..જન જન..જુઓ જોખમી કૂવો
પોરબંદર: જિલ્લામાંમાં ઓછા વરસાદના કારણે પાણીની તંગી સર્જાઈ છે. ત્યારે લોકો પાણીના એક બુંદ માટે વલખા મારી રહ્યા છે. પોરબંદરના અનેક વિસ્તારોમાં મહિલાઓ સહીત પરિવારના સભ્યોને ઠેર-ઠેર પાણી ભરવા જવું પડી રહ્યું છે. જેમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા એક કુવામાં નાની બાળકીઓથી લઇ વૃદ્ધાઓ પાણી માટે જીવને જોખમમાં મૂકી અને કુવામાંથી પાણી ભરી રહી છે.
સુભાષનગર વિસ્તારમાં એક કૂવો આવેલો છે. જેમાં નહિવત પાણીના લીધે દિવસમાં માત્ર સાંજના 6થી 7 વાગ્યા સુધી એક ક્લાક ખુલ્લો મૂકવામાં આવે છે. આ કૂવા પર ઊભીને નાની બાળકીથી લઇ ને વૃદ્ધાઓ કુવામાંથી પાણી સિંચવા મજબૂર છે. અહી એક કલાક જ કુવો ખુલ્લો મુકવામાં આવતો હોવાથી ધક્કામુકી સર્જાય છે અને તેના કારણે કૂવાની પાળી પર ઉભીને પાણી સિંચતી વખતે કોઈ દુર્ધટના પણ સર્જાઇ શકે તેમ છે. તેથી તેને જોખમી કુવો પણ કહી શકાય છે. આ કૂવાનું પાણી પીવા લાયક ન હોવા છતાં મજબુરીના કારણે આ કૂવાનું ક્ષાર યુક્ત અને ડહોળું પાણી લોકોને પીવું પડે છે જે માટે લોકોની લાંબી કતારો લાગે છે.