- અમદાવાદના કોરોના સંક્રમિત પરિવારને પોરબંદરની સિવિલમાં મળી શ્રેષ્ઠ સારવાર
- પોરબંદર સરકારી હોસ્પિટલના તબીબો અને સ્ટાફની ઉચ્ચતમ સારવાર
- માનસિક હૂફથી હું અને મારા માતા કોરોના મુક્ત થયા: ડો.નીરવભાઈ વસાવડા
પોરબંદર: જિલ્લાની ભાવસિંહજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા અમદાવાદના ડૉ.નીરવભાઈ વસાવડાએ હોસ્પિટલના સ્ટાફનો ઉત્તમ સારવાર તથા પ્રેમાળ હૂફ બદલ આભાર વ્યક્ત કરી ભાવુક થયા હતા. 39 વર્ષિય નીરવભાઈ તથા 72 વર્ષીય તેમના માતાને કોરોના વાઇરસમાંથી મુક્ત કરવા બદલ હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોરબંદરની સિવિલ હોસ્પિટલના દર્દી કરી રહ્યા છે વખાણ
બીમારી કોઈપણ હોય, દર્દીઓને દવાની સાથે સાથે ડૉક્ટર્સ દ્વારા મળતી હૂફ પણ સારવારનો જ એક ભાગ હોય છે. દર્દીના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ જળવાઈ રહે તે પણ ખૂબ જ જરૂરી હોય છે. જિલ્લાની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમ સારવારની સાથે સાથે જરૂરી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સારવાર અને સેવાઓનો અનુભવ ડિસ્ચાર્જ થયેલા નાગરિકો કહીં રહ્યા છે.
આ પણ વાંચો : કોરોના સંક્રમણને કારણે માધવપુરમાં યોજાતો રાષ્ટ્રીય મેળો રદ્દ
અમદાવાદના ડૉક્ટર સારવાર માટે ગયા પોરબંદરની સિવિલમાં
અમદાવાદ ખાતે નોકરી કરતા ડો.નિરવભાઈ વસાવડાનો કોરોના રિપોર્ટ ગત તા.5 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સારવાર માટે પોરબંદર ખાતે આવ્યા હતા. અહીં રહેતા પોતાના જીજાજીના કહેવાથી નિરવભાઈ તારીખ 6 એપ્રિલના રોજ ભાવસિંહજી કોવીડ હોસ્પિટલમાં એડમિટ થયા. તા. 9 ના રોજ તેમના 72 વર્ષીય તેમના માતા હસુમતીબેનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા તેમને પણ ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. છ દિવસની સારવાર બાદ માતા અને પુત્ર બંનેનો રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલથી સારવાર મુક્ત કરાયા હતા.
ડૉ. નિરવે હોસ્પિટલ સ્ટાફનો માન્યો આભાર
નીરવભાઈએ અહીંની સારવાર તથા સરકાર દ્વારા ઉપલબ્ધ સેવાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ' અહીંના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ, તથા સમગ્ર હોસ્પિટલના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરું એટલે ઓછો છે. તેઓના કારણે જ હું ઓક્સિજનમાંથી અને મારા માતા 72 વર્ષની ઉંમરે કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. ઉત્તમ સારવારની સાથે સાથે હોસ્પિટલના સ્ટાફની હૂફ પણ એટલી જ મળતી હતી. આ ઉપરાંત નાસ્તો, જમવાનું સહિતની જરૂરી તમામ સુવિધા પણ સરકાર દ્વારા પુરી પાડવામાં આવી છે. મારી સાથે સાથે 72 વર્ષના મારા માતા પણ ફક્ત 6 દિવસની સારવારમાં કોરોના મૂક્ત બની સ્વસ્થ થઈ જાય તેમાં હોસ્પિટલના સ્ટાફનું દિવસ રાતનું અનેરું યોગદાન છે.'