- 18 મેએ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના
- હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સંભાવના
- પવનની ગતિમાં વધારો તથા છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના
- તંત્ર એલર્ટ મોડમાં, માછીમારોને દરિયા ન ખેડવા આપી સૂચના
વાવાઝોડાની અસરથી પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો - વાવાઝોડાની આગાહી
ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને આવા કપરા સમયમાં ફરી વાવાઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સમુદ્રમાં આજે તારીખ 14ના રોજ લો પ્રેસર સર્જાયું છે અને લક્ષદીપ આઇલેન્ડ અને દક્ષિણ પૂર્વમાંથી પસાર થઈને આગામી 12 કલાકમાં ઉત્તર-પૂર્વ તરફ આવે અને અન્ય રાજ્યના દરિયા કિનારેથી પસાર થઈ ગુજરાતના દરિયા કિનારે આગામી 18 મીએ સવારે અસર કરે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
પોરબંદરઃ વાવાઝોડાંની આગાહીના પગલે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા દરિયા કિનારે વસતાં લોકોને એલર્ટ કરાયાં છે. હવામાન વિભાગની સૂચના મળતાંની સાથે જ આગામી તારીખ 18મીના રોજ સવાર સુધીમાં આ વાવાઝોડાની અસર વર્તાય જે મુજબ ગુજરાતના દરિયા કિનારા પર આવેલા તમામ જિલ્લા તથા શહેરોના વહીવટી તંત્રને આ બાબતે સૂચના આપવામાં આવી છે અને સતર્ક રહેવા જણાવાયું છે. ત્યારે પોરબંદર જિલ્લાના વહીવટી સ્ટાફને પણ હવામાન વિભાગે સતર્ક રહેવા સૂચના આપી છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. તમામ માછીમારોએ પોતાની બોટ પરત બોલાવી અને અસ્માવતી ઘાટ પર રાખી દીધી છે. એક તરફ કોરોનાની મહામારીનું સંકટ ચાલી રહ્યું છે અને બીજી તરફ વાવાઝોડાના ખતરાએ લોકોને પણ વધુ મુશ્કેલીમાં મૂકી દીધાં છે.