પૂજ્ય બાપૂની જન્મભૂમિમાં ‘સ્વચ્છતા હી સેવા'ના શપથ લેવાયા
પોરબંદરઃ પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. ત્યાર બાદ ચોપાટી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત બાપુના આ ઉત્તમ વિચારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન રૂપે ચલાવી દેશને નવી દિશા અપાવી છે. જે અંતર્ગત વિજય રૂપાણીએ પોરબંદર ચોપાટી ખાતે શ્રમદાન કરી પોરબંદર અને સમગ્ર ગુજરાતને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.
સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય આજથી પ્લાસ્ટિક મુક્ત બને તે માટે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન, સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ શાળાના વિધાર્થીઓ તથા નગરવાસીઓને સ્વચ્છતા અંગે 'ગંદકી કરીશ નહીં અને કોઈને કરવા દઈશ નહીં', 'પ્લાસ્ટિકમાંથી બનાવેલ ડિશ વાટકા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીશ નહીં', 'ઘર, મહોલ્લા, ગામ, શહેર, બાગ-બગીચા, રાજ્ય તેમજ દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવી પર્યાવરણને ચોખ્ખું રાખવા પ્રયત્નશીલ રહીશ,' એવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક મુક્ત પોરબંદર અને સમગ્ર ગુજરાત બને તે દિશામાં ચોક્કસ નિર્ધાર સાથે આગળ વધવા મુખ્ય પ્રધાને બાપુની ભૂમિ પરથી આ અભિયાન રાજ્યવ્યાપી સફળ બને તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.