- શિક્ષણની ઉપલબ્ધતા, સમાનતા, ગુણવત્તા, સુલભતાના હેતુ પર કાર્યરત નવી શિક્ષણ નીતિ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું યોગદાન પુરૂ પાડશે : ધનસુખ ભંડેરી
- શિક્ષક દિનની ઉજવણી સંદર્ભે પોરબંદરમાં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો
- ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને સાદગી પૂર્ણ યોજાયો
પોરબંદરઃ શિક્ષક દિનની ઉજવણી સંદર્ભે પોરબંદરમાં જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને સાદગીપૂર્ણ યોજાયો હતો. જેમા તાલુકા કક્ષાએ 4 અને જિલ્લાકક્ષાએ 4 એમ કુલ 8 શિક્ષકોને પારિતોષિક અને પુરષ્કાર આપી સન્માનિત કરાયા હતા.
પોરબંદર જિલ્લા પંચાયત ખાતે શિક્ષક દિનની સાદગી પૂર્ણ ઉજવણી કરાઈ
કોરોના મહામારીના કારણે સાદગી પૂર્ણ યોજાયેલા કાર્યક્રમમાં ધનસુખભાઇએ કહ્યુ કે, શિક્ષણની ઉપલબ્ધતા, સમાનતા, ગુણવત્તા, સુલભતાના હેતુ પર કાર્યરત નવી શિક્ષણ નીતિ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું યોગદાન પુરૂ પાડશે તેવા હેતુથી પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરી શિક્ષકોને શુભેચ્છા પાઠવવાની સાથે ધનસુખભાઇએ વધુમાં કહ્યુ કે, શિક્ષકોની સાચી પૂંજી મૂલ્ય અને ગુણો હોય છે. માનવ ઘડતર અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકનું મહત્વનું યોગદાન હોય છે. 22 વર્ષ સુધી શિક્ષક રહેલા ધનસુખભાઇએ વધુમાં કહ્યુ કે, દરેક શિક્ષક બાળકના મનમાં એક અલગ છાપ પાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલી નવી શિક્ષણ નીતિથી સમગ્ર ભારતનાં વિદ્યાર્થીઓને એક સરખુ શિક્ષણ મળશે અને નવા ભારતનું સ્વપ્ન સાકાર થશે.
પોરબંદર જિલ્લા પંચાયત ખાતે શિક્ષક દિનની સાદગી પૂર્ણ ઉજવણી કરાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખિરીયાએ કહ્યું કે, માણસ જે કઇ છે. તે પોતાના ગુરૂના કારણે છે. આવતી કાલનું ભારત બધા શિક્ષકોની તાકાત પર રહેલું છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભ્યાસના સીલેબસની સાથે સાથે વિશ્વમાં બનતા બનાવો તથા નૈતિકતાના પાઠ પણ શીખવવા જોઇએ.આ તકે તાલુકા તથા જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતાં. શિક્ષિકા બાબરીયા આશાબેને કહ્યુ કે, વિદ્યાર્થીઓને સીલેબસની સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પુરૂ પાડુ છું. સી.આર.સી. અશોકભાઇ રામાવત, ક્રિષ્નાબેન માવદિયા તથા મહેતા જીવરામભાઇએ પોતાના વિચારો વ્યક્ત કરી કહ્યુ કે, સમાજ જીવનમાં ગૌરવપદ કામ શિક્ષકોનું છે. અમને પ્રમાણપત્રોની સાથે સાથે પુરસ્કાર દ્રારા અમારૂં સન્માન કરાયું છે. વિદ્યાર્થીઓને પુસ્તકનું જ્ઞાન આપવાની સાથે જીવન મૂલ્યોનું જ્ઞાન મળે તેવા પ્રયત્ન અમે કરતા રહીશું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગંદકી મુક્ત મારૂ ગામ વિષય પર યોજાયેલા નિબંધસ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહેમાનોએ શિલ્ડ સન્માનપત્ર તથા સેનેટાઇઝરની બોટલ આપી હતી. જિલ્લાનું દરેક ગામ ગંદકી મુક્ત બને અને ગામમાં સ્વચ્છતા, ગામમાં હરીયાળી રહે તે માટે ખાસ કરીને બાળકોમાં જાગૃતતા આવે તે માટે નિબંધસ્પર્ધા યોજાઇ હતી.જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી.કણસાગરાએ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તથા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંદિપ સોનીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન નિરવભાઇ જોષીએ કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ઓડેદરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.