ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કેર વચ્ચે શનિદેવના જન્મસ્થળ હાથલામાં સાદાઈથી શનિ જયંતિની ઉજવણી થઈ

શનિદેવને શાસ્ત્રોમાં ન્યાયના દેવ ગણવામાં આવે છે અને વૈશાખ વદ અમાસ એટલે કે શનિજયંતીએ શનિદેવની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.આ દિવસે વિવિધ ધાર્મિક પૂજાપાઠ, પૂજાઅર્ચનાથી શનિદેવની કૃપા હંમેશા વરસતી રહે છે. માન્યતા છે જે વ્યક્તિનો જન્મનો શનિ અશુભ હોય તે આ દિવસે વિશેષ ઉપાસના કરી શનિદેવની કૃપા મેળવી શકે છે. પરંતુ લૉક ડાઉનને લઇને હાથલામાં ભક્તોની ભીડ વગર સાદાઈથી શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

કોરોનાના કેર વચ્ચે શનિદેવના જન્મસ્થળ હાથલામાં સાદાઈથી શનિ જયંતિની ઉજવણી થઈ
કોરોનાના કેર વચ્ચે શનિદેવના જન્મસ્થળ હાથલામાં સાદાઈથી શનિ જયંતિની ઉજવણી થઈ

By

Published : May 22, 2020, 8:10 PM IST

પોરબંદરઃ શનિ જયંતિના દિવસે સાડાસાતી ચાલતી હોય અથવા નાની પનોતી ચાલતી હોય તો શનિદેવનો મંત્ર, સહસ્ત્રનામસ્તોત્ર, શનિચાલીસા અને કવચના પાઠ કરી શનિદેવની કૃપા મેળવવાનો પ્રયાસ ભક્તો કરે છે. પોરબંદરથી ૨૮ કિમી દુર આવેલ હાથલા ગામ કે જેને શનિદેવનું જન્મસ્થાન માનવામાં આવે છે ત્યા આ દિવસે શનિદેવને રીઝવવા માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે સાદાઈથી શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તોને જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.

કોરોનાના કેર વચ્ચે શનિદેવના જન્મસ્થળ હાથલામાં સાદાઈથી શનિ જયંતિની ઉજવણી થઈ
ભારતમાં શનિદેવના મુખ્ય ત્રણ સ્થાનો આવેલા છે. મહારાષ્ટ્રમાં શિંગળાપુર, રાજસ્થાનમાં કર્પાસન અને ગુજરાતમાં હાથલા.શિંગણાપુર અને કર્પાસનમાં આવેલા શનિદેવના સ્થાનકો 12મી સદીના હોવાનું મનાય છે.જ્યારે હાથલાનું સ્થાનક ૭ મી સદીનું હોવાનું મનાય છે. આમ ત્રણેય સ્થાનકોમાં સૌથી પૌરાણિક શનિદેવના જન્મસ્થાન તરીકે પૂજાય છે. મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇને જે જગ્યાએ પ્રગટ થયાં તે સ્થળ એટલે હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળમાં તે આજનું હાથલા ગામ છે. પુરાતત્વ દ્વારા રક્ષિત સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે સાડા સાત અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આ મંદિરમાં આવેલી છે. મંદિરની લાક્ષણિકતા એ છે કે આ મંદિર સ્મશાનભૂમિમાં આવેલું છે. હાથલા ગામ જોવા જઇએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે. પરંતુ શનિદેવના જન્મસ્થાને દર્શન કરવા જવા માટે મોટાભાગના ભાવિકો પોરબંદર થઇને હાથલા ગામે જાય છે. વષો જૂનું આ શનિદેવનું મંદિર શનિદેવના જન્મસ્થાન તરીકે પ્રખ્યાત છે. જો કે આ મંદિરને છેલ્લાં 15 વર્ષમાં જ ખ્યાતિ મળી છે અને હવે તો રાજકીય આગેવાનો અને પ્રધાનોઓ સહિતના VVIP પણ અહી દર્શનાર્થે આવે છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમવાર આજના દિવસે માત્ર પૂજારી એ જ શનિ જ્યંતિની ઉજવણી કરી હતી.આ શનિદેવનું મંદિર હાલ ગુજરાત રાજયના પુરાતત્વ વિભાગને હસ્તક છે.
કોરોનાના કેર વચ્ચે શનિદેવના જન્મસ્થળ હાથલામાં સાદાઈથી શનિ જયંતિની ઉજવણી થઈ
સામાન્ય રીતે શનિ જયંતિના દિવસે અહીંયા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. અહીં શનિકુંડ પણ આવેલો છે. ગ્રંથોમાં ઉલ્લેખ છે કે રાજા દશરથે અહીં પનોતી ઉતારી હતી. આથી અહીં જે લોકોને પનોતી ચાલતી હોય તે લોકો શનિકુંડમાં સ્થાન કર્યા બાદ શનિદેવની પૂજા અર્ચના કરે તો પનોતીમાં રાહત મળે છે તેવી માન્યતા છે.શનિજયંતી નિમિત્તે સિંદૂર, કાળા અડદ, કાળા તલ, તેલ ચડાવીને શનિદેવની પૂજા કરવામાં આવે છે. હાથલા પહોંચવા માટે પોરબંદર થઇને પણ જઇ શકાય છે. આ ઉપરાંત જામનગરથી ભાણવડ અને ભાણવડથી હાથલા સુધી પહોંચી શકાય છે. આ ઉપરાંત દ્વારકા તરફથી આવતા લોકો પોરબંદર થઇ અને બગોદર ખાંભોદર અને રામવાવ ગામથી પણ જઇ શકાય છે. કળિયુગમાં કહેવાય છે કે શનિદેવ સાક્ષાત હોય છે. અને હાજરા હજુર હોય છે. ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી દર્શનાર્થીઓ અહીં દર્શન માટે આવે છે. પુરાતત્વ ખાતું આ મંદિરને અનિષ્ટ બળોના શમનનું મંદિર અને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિ દેવ પોતાની પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિર પનોતી મંદિર તરીકે પણ ઓળખાય છે. શનિદેવ મંદિરે પનોતીવાળા લોકો સ્નાન કરવા આવતા હોય છે, પરંતુ મામા-ભાણેજને પોતાના હાથે સ્નાન કરાવી નવાનક્કોર વસ્ત્ર પહેરાવે તો ક્યારેય કોઇ પનોતી નજીક આવતી નથી. વળી દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ પગરખાં પહેરીને આવે છે અને શનિ મંદિરે પોતાનાં પગરખાં મુકીને જાય છે. માન્યતા મુજબ પનોતી શનિ મંદિરે છોડી દેવાથી પરત આવતી નથી, તેવી પણ એક લોકવાયકા છે. આથી શનીશ્વરી અમાસ તેમ જ શનિ જયંતિ બાદ અહીં હજારોની સંખ્યામાં લોકો મંદિરની બહાર પોતાના બૂટચપ્પલો છોડી જાય છે.

ABOUT THE AUTHOR

...view details