પોરબંદર: જિલ્લા કોંગ્રેસ સમિતિ આગેવાનો તથા કેશુભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ આજે કુતિયાણા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી એવું જણાવ્યું છે કે, ઘેડ પંથકમાં સારા વરસાદના કારણે ચણાનો ભરપુર પાક થયો છે, પરંતુ કોરોના મહામારીના કારણે કોઈ ચણા લેવા તૈયાર નથી તો બીજી તરફ હાલ સરકાર દ્વારા જે ઓનલાઈન ખરીદી હતી તે પણ બંધ કરી દેવાઈ છે.
કુતિયાણા તાલુકામાંથી અંદાજીત 3350 ખેડૂતોની ચણાની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી ગુજકોમાસોલ સેન્ટર દ્વારા 770 જેટલા ખેડૂતોના ચણાની ખરીદી કરવામાં આવી છે અને તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો છે. છેલ્લા બે દિવસમાં કુતિયાણા તાલુકાના રાજકીય આગેવાનો દ્વારા આ ખરીદીમાં રસ લઇ એન તેમના મળતિયાઓના નામે કે જે ખેડૂતોએ ચણાનું વાવેતર પણ કરેલું ન હતું, તેનું ઓનલાઈન કરાવી તેમના 7/12 અને 8 અનો ઉપયોગ કરી વેપારીઓ પાસે બજારમાંથી નીચા ભાવે તથા હલકી ગુણવત્તાના ખરીદેલા ચણા ટેકાના ભાવે ચડાવી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.