પોરબંદર જિલ્લાના દેગામ, સીમાણી, ભોમિયાવદર ,બખરલા, મિત્રાળા ,ચીકાસા ,મીયાણી ,મંડેર નટવરનગર,ગોરસર મોચા ,ખામ્ભોદર ,બેરણ, મોઢવાડા ,વાછોડા સહિતના તમામ સરપંચોએ સાથે રહી પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલી ખેતીવાડી અધિકારીની કચેરીએ ઉપસ્થિત રહી ખેતીવાડી અધિકારીને પાક વીમા અંગે રજૂઆત કરી હતી.
પાક નિષ્ફળ જતા પોરબંદર જિલ્લાના સરપંચોએ કરી પાક વીમા અંગે રજૂઆત - Gujarati News
પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં ગત વર્ષે પણ વરસાદ નહિવત પ્રમાણમાં પડયો હોવાથી અને આ વર્ષે પણ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો તથા પશુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાણી વગર અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે.
આ અંગે જણાવવામાં આવ્યુ હતુ કે, હાલ વરસાદ પાછો ખેંચવાના કારણે તમામ ગામડાઓના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે અને ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોવાથી અને આ સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા પાકવીમા અંગેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તથા સરપંચોને સાથે રાખી સર્વેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યારે ખેતીવાડી અધિકારી જે.એન પરમારે પણ જણાવ્યુ હતુ કે તમામ સરપંચોની રજૂઆતને ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે અને ઉચ્ચ અધિકારીઓ જે નિર્ણય લેશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.