પોરબંદરઃ સમાજ અને દેશને શ્રેષ્ઠ શિક્ષકોની ખુબ જ જરૂરિયાત હોય છે. એક શિક્ષક શાળામાં વર્ષો સુધી સરસ્વતિની સાધના કરીને અસંખ્ય વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે સાથે જીવનમૂલ્ય આધારિત શિક્ષણ આપીને રાષ્ટ્રનાં નિમાર્ણમાં મહત્વનું યોગદાન પુરૂ પાડે છે.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન એટલે શિક્ષકોનાં સન્માનનો દિવસ, આ દિવસે શ્રેષ્ઠ શિક્ષકને સન્માનિત કરવામાં આવે છે. પોરબંદર ખાતે યોજાયેલા શિક્ષકદિનની ઉજવણી નિમિત્તે જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું દર વર્ષની જેમ આ વર્ષે પણ સન્માન કરાયું હતુ. પોરબંદર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા રાણાવાવ પે.સેન્ટર કુમાર શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ક્રિષ્ના માવદીયા છેલ્લા 21 વર્ષથી વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન તથા અન્ય વિષયો ભણાવી રહ્યા છે.
રાણાવાવ પે.સેન્ટર કુમાર શાળાના શિક્ષિકાને જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરાયો હાલ વિશ્વમાં કોરોના મહામારીના કારણે શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ખર્ચ માટે પુરસ્કાર પેટે મળેલા રૂપિયા 15 હજાર અર્પણ કરનારા ક્રિષ્નાબહેન કહે છે કે, જિલ્લાકક્ષાનો પુરસ્કાર મળ્યો એ એક જવાબદારી છે. અભ્યાસ પુર્ણ કરીને શાળામાથી આગળ વધતા વિદ્યાર્થીઓ દેશના નિર્માણમાં અને સમાજ સેવામાં પોતાનું યોગદાન આપે એ જ સાંચું શિક્ષણ છે.
કલા મહાકુંભમાં ભાગ લઇને વિદ્યાર્થીઓને પણ સંગીત અને કોમ્પ્યુટર શિક્ષણનું જ્ઞાન આપનારા તથા વધુને વધુ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે આગળ વધે તે માટે ક્રિષ્ના સતત કાર્યરત રહે છે. 2019નાં વર્ષે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તથા કલસ્ટર કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષકનો પુરસ્કાર મેળવનારા ક્રિષ્ના એવા અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ છે. જે પોતે ખરેખર વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમની સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પણ આપવા ઇચ્છતા હોય છે.