વિવિધ સામાજીક સંસ્થાઓ, કોલેજો, યુવાનો સહિત નાગરિકોએ રક્તદાન કરવું જોઇએ. જેથી રક્તની જરૂરીયાતવાળા માણસને તાત્કાલિક ધોરણે બ્લડ મળી શકે. માણસનાં શરીરમાં સરેરાશ ૫થી ૬ લીટર લોહી હોય છે. દર ત્રણ મહિને માણસ ૩૫૦ મિલી- ૪૫૦ મિલી જેટલુ લોહી ડોનેટ કરી શકે. ડોનેટ કરેલુ રક્ત ધીરે ધીરે પાછુ શરીરમાં એકત્ર થઇ જાય છે.
પોરબંદરની આશા બ્લડ બેંકમાં વિવિધ સામાજીક સંસ્થાઓ, કોલેજો, યુવાનો સહિત નાગરિકો બ્લડ ડોનેટ કરતા હોય છે. આવા જ એક નાગરિક ગૌરવભાઇ ઓઝા વર્ષ 2006થી નિયમિત દર ત્રણ મહિને રક્તદાન કરે છે. ગૌરવભાઇ જણાવે છે કે, વર્ષ 2006 માં મારા ભાઇ જતીન ઓઝાનું અકસ્માત થવાથી માંથામાં ગંભીર ઇજા થવાથી ખુબ બ્લડ વહી ગયેલુ. જેથી મારા ભાઇનું મૃત્યુ થયુ હતું. તેથી મે એવો સંકલ્પ કર્યો કે મારા ભાઇનો જન્મદિવસ ૧૪-ડિસેમ્બર અને મૃત્યુ દિવસ ૧૩-સપ્ટેમ્બર તથા વિશ્વ રક્તદાતા દિવસ ૧૪-જૂનના રોજ હું નિયમિત રક્તદાન કરૂ છું અને જરૂર પડ્યે વધારે રક્તદાન કરૂ છું.
તેઓએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વખતથી મારી સાથે મારી પત્ની મીનાક્ષી પણ રક્તદાન કરવા આવીએ છે. અમારા પરિવારે એવો સંકલ્પ કર્યો છે કે, મૃત્યુ બાદ આખુ બોડી મેડિકલ માટે ડોનેટ કરી દેવું અને અમારી દાદીમાનું બોડી મેડિકલ કોલેજને ડોનેટ કરેલુ. વધુમાં ગૌરવભાઇએ નાગરીકોને સંદેશ આપ્યો કે બ્લડ ડોનેટ કરવાથી શરીર રિચાર્જ થાય છે. કોઇ તકલીફ થતી નથી. બ્લડ ડોનેટ કરવાથી બીજાના જીવ બચાવી શકાય છે. જેથી રક્તદાન અવશ્ય કરવું જોઇએ. થેલેસેમિયાગ્રસ્ત દર્દી, અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિ, સર્ગભા મહિલા, વૃધ્ધો સહિતનાં જરૂરીયામંદ માણસને તમે કરેલ 350-450 મિલી લોહી નવું જીવન બક્ષી શકે છે. જેથી તંદુરસ્ત લોકોએ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરીને પોતાની ફરજ બજાવવી જોઈએ.
આશા કોમ્પોન્ટન્ટ બ્લડ બેંકમાં દર વર્ષે સરેરાશ 6 હજાર બ્લડની બોટલો ડોનેટ કરવામાં આવે છે. જે કોઇ તહેવાર, પ્રસંગ, કોઇની જન્મ કે મૃત્યુ તિથી પર વિવિધ સંસ્થાઓ કે સેવાભાવી લોકો બ્લડ ડોનેટ કરતા હોય છે.બ્લડ બેંકનાં કાઉન્સેલર આશાબેન દેવમુરારી તથા લેબ ટેક્નિશિયન ભાવિષાબેન સાણઠરાએ જણાવ્યુ કે, આશા બ્લડ બેંકમાં રેગ્યુલર ૫૦ જેટલા ડોનરો દર ૩-૪ મહિને બ્લડ ડોનેટ કરે છે. એકત્ર થયેલુ મોટાભાગનું બ્લડ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ફ્રિમાં અને અન્ય દર્દીઓને રૂ.500 ફીથી આપવામાં આવે છે. સામાન્ય બ્લડને સ્ટોરેજમાં રાખવામાં આવે છે.