પોરબંદર SBI ગ્રામ સ્વરોજગાર સંસ્થા દ્રારા પોરબંદરની ખાસ જેલના કેદીઓને 10 દિવસીય સ્વરોજગાર તાલીમ આપવામાં આવી રહી છે. જેલમાથી છુટ્યા બાદ કેદીઓ સમાજમાં પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે જેલ સુધારણા કાર્યક્રમો યોજાતા રહે છે. પોરબંદરની ખાસ જેલમા સજા ભોગવી રહેલા કાચા અને પાકા કામના કેદીઓને અગરબતી કઇ રીતે બનાવવી તે શિખવવા માટે 10 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 21 કેદીઓએ અગરબત્તી બનાવવાની તાલીમ લઈ રહ્યા છે.
આ સંદર્ભે જેલ અધીક્ષક એમ. જી. રબારી તથા SBI ગ્રામ સ્વ રોજગાર તાલીમ સંસ્થાના ડાયરેકટર રાજુભાઇ પોદારે કેદીઓ માટે યોજેલી તાલીમ શિબિર સંદર્ભે જણાવ્યું કે, જેલમાંથી છુટ્યા બાદ કેદીઓને સ્વરોજગારી મળી રહે, તેમજ તેમનું પુનઃસ્થાપન થઇ શકે અને ફરી પાછા તેઓ ગુનાહિત પ્રવૃતિમાં જોડાવાનાં બદલે પોતે લીધેલી તાલીમનો ઉપયોગ કરીને પોતાનું તથા પરિવારનું ગુજરાન કરી શકે તે માટે આ પ્રકારની તાલીમ યોજવામાં આવી છે. કેદીઓ જેલમાં કંઇક સારી પ્રવૃતિઓ શીખી સજા પુર્ણ કર્યા બાદ, તેમનું પુનઃસ્થાપન થાય તે બદલ સ્વરોજગારલક્ષી વિવિધ તાલીમો આપવામાં આવતી હોય છે.