પોરબંદર જિલ્લાના લોકો આરોગ્ય સેતુ એપ દ્વારા કોરોના મહામારી વિશે મેળવી રહ્યાં છે જાણકારી - COVID-19
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર જોગ સંબોધનમાં અપીલ દ્વારા તથા પોરબંદર જિલ્લા તંત્રનાં અનુરોધ તથા કોરોના મહામારી સંદર્ભે સતર્ક રહેવા જિલ્લાવાસીઓ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને COVID-19થી સાવધાની અંગે જાણકારી મેળવી રહ્યા છે.
પોરબંદર: ભારત સરકારે કોરોના વાઈરસ સંદર્ભે તૈયાર કરેલી આરોગ્ય સેતુ એપ દેશભરના મોબાઇલ ધારકો ડાઉનલોડ કરીને તેમાંથી કોરોના સંદર્ભે મનમાં ઉપજેલા પ્રશ્નોના નિરાકરણની સાથે સાથે કોરોનાથી કઇ રીતે બચવું? શું કરવું અને શું ન કરવુ, સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ કરી જાણકારી મેળવી રહ્યા છે.
પોરબંદર જનરલ નર્સિગ સ્કુલના આચાર્ય અરવિંદભાઇ રાજ્યગુરૂએ કહ્યું કે, આરોગ્ય સેતુ એપ મારા પત્નીએ ડાઉનલોડ કર્યા બાદ એમણે જ મને આ એપ ડાઉનલોડ કરવા સલાહ આપી હતી. કોમન પબ્લિક માટે આ એપ ખુબજ મહત્વની છે. એપમાં સ્વ-મુલ્યાકંન, શું કરવું ? શું ન કરવું? કોરોનાથી સાવધાની સહિતની જાણકારી મળી રહે છે.
આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધી તમામ માહિતી, COVID-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણ. તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ? સહિતની માહિતી આરોગ્ય સેતુ એપમાં મળે છે. શહેરીજન ક્રિષ્નાબેન દવેએ કહ્યું કે, ટીવી અને અખબારમાં જાહેરાતો જોયા પછી આરોગ્ય સેતુ એપ ડાઉલોડ કરી. તેમાં સ્વ-મુલ્યાકંન કર્યુ અને મારા ઘણા પ્રશ્નોનું નિરાકરણ થયુ. તથા ભારતમાં અત્યારે કોરોનાની શું પરિસ્થિતિ છે તેની અપડેટ મળતી રહેશે
જયભાઇ પંડયાએ કહ્યુ કે, આરોગ્ય સેતુ એપ દ્રારા કોરોના મહામારી સંદર્ભે લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહાર જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા જવાનું થાય ત્યારે શું તકેદારી રાખવી, કોરોના સંક્રમિત કોઇ વ્યક્તિ સંપર્કમાં આવ્યા છે કે, નહીં સહિતની સચોટ માહિતી મળે છે.
ખાગેશ્રી ગામના શિક્ષક મહેશભાઇ ભીંભાએ સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ દ્રારા જાણ્યુ કે, હું સુરક્ષિત છું. તેમણે આ એપનું મહત્વ સમજીને વોટસએપના માધ્યમથી પોતાના મિત્ર વતુર્ળમાં પણ કહ્યુ કે, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને કોરોના મહામારી વિશે જાણકારી મેળવો.
વિધાર્થિની આશાબહેન સિંગરખીયાએ કહ્યુ કે, આ એપથી હું દેશભરમાં કોરોના વાયરસની અપડેટ મેળવુ છુ. તથા ઘરના સભ્યોનું પણ સ્વ-મુલ્યાકંન કરાવ્યું છે. દરેક લોકોએ આ એપ ડાઉનલોડ કરવી જોઇએ.આમ કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતિમાં પોરબંદર વાસીઓ આંગળીના ટેરવે જાણકારી મેળવવાની સાથે શું કરવું ? અને શુ ન કરવું ? તથા પોતે કોઇ પોઝિટીવ કેસનાં સંપર્કમાં આવ્યા કે નહીં ? સહિતની જાણકારી મેળવતા થયા છે. તથા આ એપના મહત્વ વિશે પોતાના મિત્રો પરિવારજનોને વાકેફ કરી રહ્યા છે.