પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી પાકમાં નુકસાનની ભીતિ પોરબંદર : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં મોજુ ફેરવાયું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં આજે સવારથી જ કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. પોરબંદરના ઘેડ, બરડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પોરબંદર શહેરમાં વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ કમોસમી વરસાદ વરસતા હાલ ખેડૂતોની ચિંતા વધારો થયો છે. તો બીજી તરફ માર્કેટીંગ યાર્ડમાં વરસાદના કારણે પાણી ભરાઈ જતા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ કમોસમી વરસાદને લઈને કોંગ્રેસ સરકાર પાસેથી માંગ કરી છે.
આ પણ વાંચો :Gujarat Weather : કમોસમી વરસાદના કારણે ભુજની APMC માં એરંડા, ગુવાર, ઈસબગુલનો પાક પલળ્યો
વરસાદ વરસતા કોંગ્રેસની માંગ : પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવ મોઢવાડીયાએ રાજ્ય સરકારને રજૂઆત કરતા જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોને મોટાપાયે પાકમાં નુકશાન થયું છે. ખાસ કરીને બરડા અને રાણાવાવ વિસ્તારના ખેડૂતો દ્વારા ઉનાળુ પાક તરીકે મગ, તલ અને એરંડાનું વાવેતર કરવામાં આવ્યું છે. આજે સવારથી જ બરડા પંથકમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાને કારણે આ પાકને મોટું નુકસાન થયું છે. તેથી રાજ્ય સરકાર દ્વારા પોરબંદર પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવીને પાકને નુકશાન કર્યું છે એનો તાત્કાલિક સર્વે કરીને થયેલી નુકશાનીનું વળતર ચૂકવે તેવી માંગ કરી છે. તેનો વિગતવાર પત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મોકલી આપ્યો છે.
આ પણ વાંચો :Gujarat Weather : રાજકોટ પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ, યાર્ડમાં પલળ્યો પાક
ક્યાં કેટલો વરસાદ : કમોસમી વરસાદને લઈને છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો, રાજકોટ, ગોંડલ, લોધીકા, પાટણ, જામનગર સહિત અનેક વિસ્તારમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે પોરબંદર તાલુકામાં 10 મિમી, કુતિયાણા તાલુકામાં 10 મિમી, રાણાવાવ તાલુકામાં 4 મિમી વરસાદ થયો હતો.