ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Temples : પોરબંદર નજીક હાથલા શનિદેવ મંદિરે ઉજવાઇ શનિ જયંતિ, મંદિરની આગવી વિશેષતાઓ જાણો

વૈશાખ વદ અમાસના રોજ શનિ જયંતિના ઉપલક્ષમાં શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા ભક્તો પોરબંદરના હાથલા શનિદેવ મંદિરે કતારો લગાવી રહ્યાં છે. હાથી પર સવાર શનિદેવની મૂર્તિ ધરાવતાં આ શનિ મંદિરની બીજી વિશેષતાઓ પણ છે.

Porbandar Temples : પોરબંદર નજીક હાથલા શનિદેવ મંદિરે ઉજવાઇ શનિ જયંતિ, મંદિરની આગવી વિશેષતાઓ જાણો
Porbandar Temples : પોરબંદર નજીક હાથલા શનિદેવ મંદિરે ઉજવાઇ શનિ જયંતિ, મંદિરની આગવી વિશેષતાઓ જાણો

By

Published : May 19, 2023, 4:32 PM IST

Updated : May 19, 2023, 5:39 PM IST

હાથી પર સવાર શનિદેવની મૂર્તિ

પોરબંદર : પોરબંદરથી 28 કિલોમીટર દૂર આવેલું છે હાથલા શનિદેવ મંદિર. હાથલા ગામમાં આવેલા આ સ્થળને શનિદેવનું જન્મસ્થાન માનવામાં આવે છે. આજે વૈશાખ વદ અમાસ શનિ જયંતિ હોવાથી આ મંદિરમાં શનિદેવને રીઝવવા દેશ વિદેશમાંથી ભક્તો વહેલી સવારથી કતાર લગાવી રહ્યાં છે.પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે સાડા સાત અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આ મંદિરમાં આવેલી છે.

શનિદેવ હાથી પર પ્રગટ થયાં :ભારતમાં શનિદેવના મુખ્ય ત્રણ સ્થાનકો આવેલા છે. જેમાં મહારાષ્ટ્રમાં શિંગળાપુર, રાજસ્થાનમાં કર્પાસન અને ગુજરાતમાં હાથલા. શિંગળાપુર અને કર્પાસનમાં આવેલા શનિદેવના સ્થાનકો 12મી સદીના હોવાનું મનાય છે.જ્યારે હાથલાનું સ્થાનક 7મી સદીનું હોવાનું મનાય છે. આમ ત્રણેય સ્થાનકોમાં સૌથી પ્રાચીન શનિદેવના જન્મસ્થાન તરીકે પૂજાય છે. મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇને જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ એટલે હસ્તીન સ્થળ. પ્રાચીનકાળનું હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળમાં હાથલા કે, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા હતાં તે આજનું હાથલા ગામ.

શનિકુંડમાં સ્નાન : શનિ જયંતીના દિવસે અહીંયા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. શનિદેવના જન્મસ્થાને શનિદેવ ઉપરાંત તેમની બાજુમાં સાડા સાતી પનોતી અને અઢી વરસની પનોતી તેમ જ મંદિરની બહારની બાજુએ હનુમાનજીનું મંદિર અને નાગદેવતા અને ગણેશજીનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. ઉપરાંત શનિકુંડ પણ આવેલો છે. શનિદેવના જન્મસ્થાનોનું પુરાણોમાં ઉલ્લેખ પણ કર્યો હતો. તદઉપરાંત મંદિરની બાજુમાં સ્મશાન, પીપળો અને નદી પણ આવેલા છે. પુરાણોમાં એવો પણ ઉલ્લેખ છે કે રાજા દશરથે અહીં પનોતી ઉતારી હતી. આથી અહીં જે લોકોને પનોતી ચાલતી હોય તે શનિદેવના જન્મસ્થાને આવી અને શનિકુંડમાં સ્નાન કર્યા બાદ શનિદેવની પૂજા અર્ચના કરે તો પનોતી ઉતરે છે અને રાહત પણ મળે છે તેવી એક શાસ્ત્રોકત માન્યતા હિન્દુ ધર્મમાં છે.

હાથલા શનિદેવ મંદિરના પૂજારી ચિરાગપુરીએ જણાવ્યું હતું કે આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા અને તેમણે આ રીતે અહીં પોતાનું સ્થાનક બનાવ્યું હતું. પુરાતત્વ ખાતું આ મંદિરને અનિષ્ટ બળોના શમનનું મંદિર અને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિ દેવ પોતાની પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તારીકે ઓળખાય છે... ચિરાગપુરી (હાથલા શનિદેવ મંદિરના પૂજારી)

પગરખાં મૂકી દેવાનું મહત્ત્વ :શનિદેવ મંદિરે પનોતીવાળા લોકો સ્નાન કરવા આવતા હોય છે, પરંતુ મામા ભાણેજને પોતાના હાથે સ્નાન કરાવી નવાનક્કોર વસ્ત્ર પહેરાવે તો ક્યારેય કોઇ પનોતી નજીક આવતી નથી. વળી દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓ પગરખાં પહેરીને આવે છે અને શનિ મંદિરે પોતાના પગરખા મુકીને જાય છે. માન્યતા મુજબ પનોતી શનિ મંદિરે છોડી દેવાથી પરત આવતી નથી, તેવી પણ એક લોકવાયકા છે. આથી શનિશ્વરી અમાસ તેમજ શનિ જયંતિ બાદ અહી હજારોની સંખ્યામાં મંદિરની બહાર પોતાના બૂટ ચંંપલ છોડી જાય છે.

શનિ કુંડનું અનેરું મહત્વ :હાથલા શનિ મંદિરના પટાંગણમાં આવેલા શનિકુંડનું પણ મોટું મહત્વ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે વર્ષો પૂર્વ રાજા દશરથ રામ અને લક્ષ્મણને લઈને દ્વારકા જવા નીકળ્યા હતાં. એવામાં આ બાજુ આવતાં હાથલા સુધી પહોંચ્યા અને પાછળ મહાદેવનું મંદિર છે ત્યાં આરતી થઈ હતી.

પંદર વર્ષથી મળી ખ્યાતિ :મંદિરની લાક્ષણિકતા છે કે તે સ્મશાનભૂમિમાં આવેલું છે. હાથલા ગામ જોવા જઇએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે. પરંતુ શનિદેવના જન્મસ્થાને દર્શન કરવા જવા માટે મોટાભાગના ભાવિકો પોરબંદર થઇને હાથલા ગામે જાય છે. સાતમી સદીનું હોવા છતાં આ મંદિરને છેલ્લા પંદરેક વરસમાં જ ખ્યાતિ મળી છે અને હવે તો રાજકીય આગેવાનો અને મંત્રીઓ, વીઆઈપી પણ અહી દર્શનાર્થે આવે છે.

પુરાતત્વ વિભાગને હસ્તક :આ શનિદેવનું મંદિર હાલ ગુજરાત રાજયના પુરાતત્વ વિભાગને હસ્તક છે. દર વર્ષે શનિ જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.. શનિશ્વરી અમાસ તેમજ શનિ જયંતિના દિવસે તો મેળો ભરાયો હોય તેવી ભીડ જામે છે. શનિદેવની આરાધના કરવાથી જે વ્યકિતને પનોતી હોય તેમને રાહત મળે છે અને કષ્ટ ઓછું થાય છે. આથી લોકો શનિ જયંતિ નિમિત્તે સિંદૂર, કાળા અડદ, કાળા તલ, તેલ ચડાવીને શનિદેવની પૂજા કરે છે.

કેવી રીતે પહોંચી શકાય હાથલા : હાથલા પહોંચવા માટે પોરબંદર થઇને પણ જઇ શકાય છે. આ ઉપરાંત જામનગરથી ભાણવડ અને ભાણવડથી હાથલા સુધી પહોંચી શકાય છે. આ ઉપરાંત દ્વારકા તરફથી આવતા લોકો પોરબંદર થઇ અને બગોદર ખાંભોદર અને રામવાવ ગામથી પણ જઇ શકાય છે. ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ અહીં નજરે પડે છે.

  1. Shani Jayanti 2023 : શનિદેવની પત્નીઓનું નામ સ્મરણ કરવાથી મોટામાં મોટા સંકટો થાય છે દુર, મહિલાઓ કરે છે પુજા
  2. Shani Jayanti 2023: શનિ જયંતિના દિવસે આ ઉપાય કરવાથી તમારા પર થશે શનિ મહારાજની કૃપા
  3. Shani Temple ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શનિદેવ પોતાની અતિપ્રિય સવારી પર સવાર છે
Last Updated : May 19, 2023, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details