ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં સાંદીપનિ હરિમંદિરના 14મા પાટોત્સવનો પ્રારંભ - Sandipani news

પોરબંદર સાંદીપનિ હરિમંદિરના 14માં પાટોત્સવનો 29 તારીખથી પ્રારંભ થયો છે. જે પાંચ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમો સાથે સંપન્ન થશે. આ પાંચ દિવસો દરમિયાન સાંદીપનિના કુલપિતા સમાન ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન થયું છે અને તેમાં ભાગ લેવા માટે દેશ અને વિદેશના ભાવિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલા જોવા મળશે.

Porbandar
સાંદીપનિ હરિમંદિર

By

Published : Jan 30, 2020, 8:06 AM IST

શ્રીહરિ નામ સંકીર્તન સાથે 14માં પાટોત્સવનો પ્રારંભ

પ્રાત:કાળમાં મથુરાથી આવેલા ભાગવત પ્રવચનકાર વસંતશાસ્ત્રી ચતુર્વેદી અને મુખ્ય યજમાન પરિવાર દ્વારા પૂજન-અર્ચન પૂર્વક શ્રી હરિમંદિરના બગીચીમાં શ્રીહરિ નામ સંકીર્તનનો પ્રારંભ થયો હતો. શ્રી ગૌડીય સંકીર્તન મંડળ, વૃંદાવન અને ઋષિ કુમારો દ્વારા 29થી 2 કેબ્રુઆરી સુધીના દિવસોમાં સવારથી સાંજ સુધી શ્રીહરિ નામ સંકીર્તન થશે. જેનો પોરબંદર અને આજુબાજુ વિસ્તારના ભાવિકો લાભ લઈ શકે છે.

સુપર સ્પેશ્યાલીસ્ટ આઈ કેમ્પનું આયોજન

29મી જાન્યુઆરીએ શહેરની ધામેચા હોસ્પિટલમાં વિશિષ્ટ કહી શકાય તેવા આઈ કેમ્પમાં ડાયાબિટિસના લીધે આંખના પડદામાં થતો રોગ, જામર જેવા જટિલ રોગોની લેસર સર્જરી કરાવવા માટે જે દર્દીઓના અગાઉથી નામ નોંધવામાં આવ્યા હતા તેના કેમ્પનો પ્રારંભ થયો હતો. આ કેમ્પનું ઉદ્ઘાટન પૂજ્ય ભાઈશ્રીના વરદહસ્તે થયું હતું અને સુપર સ્પેશ્યાલીસ્ટ આઈ કેમ્પમાં મુંબઈની બોમ્બે સિટી આઈ ઈન્સ્ટીટયુટના સર્જન ડો.કુલીન કોઠારી અને તેમની ટીમે દર્દીઓને તપાસ્યા હતા. જેમાં પોરબંદરની તમામ આંખની હોસ્પિટલના ડોકટરોએ સેવાઓ આપી હતી.

પલ્મોનોલોજી કેમ્પ

આઈ કેમ્પની સાથે-સાથે ફેક્સા અને શ્વાસના દર્દીના કેમ્પમાં રાજકોટના પલ્મોનોલોજીસ્ટ ડો.જયેશ ડોબરીયા અને પોરબંદરના રાજવીબા ગોહીલએ દર્દીઓને તપાસ્યા હતા તો સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે આયુર્વેદિક પદ્ધતિના દંતયજ્ઞમાં જલંધર યોગના નિષ્ણાંત હર્ષદભાઈ જોશી અને સરોજબેન જોશીએ દર્દીઓને તપાસ્યા હતા. આ કેમ્પ રજીસ્ટેસન કેબ્રુઆરી 2020 સુધી ચાલશે.

ભાગવત ચિંતનયાત્રા

સવારના અને બપોરના સત્રમાં સાંદીપનિના હરિમંદિરના સભાગૃહમાં ભગવતચિંતન યાત્રામાં મથુરાના ભાગવતના વિદ્વાન વકતાશ્રી વસંતકુમાર શાસ્ત્રી અને ગુજરાતના જાણીતા ભાગવત કથાકાર યોગેશભાઈ શાસ્ત્રીએ શ્રોતાઓ સમક્ષ રસમય શૈલીમાં પ્રવચન આપ્યા હતા. સાથે-સાથે સવારના સત્રમાં અને બપોર પછીના સત્રમાં સાંદીપનિના ભૂતપૂર્વ ઋષિકુમારોએ પણ શ્રીમદ્‌ ભાગવત મહાપુરાણના વિષયોને લઈને મનનીય પ્રવચન આપ્યા હતા. શ્રીવસંત શાસ્ત્રીજીએ આ પ્રસંગે કહ્યું હતું કે, માત્ર પુસ્તકોના વાંચનથી ખરું જ્ઞાન પ્રાપ્ત થતું નથી પણ યોગ્ય ગુરૂ પાસેથી તે પ્રાપ્ત કરવામાં આવે તો એ મંથન બની શકે છે. ગુરૂ પરંપરાથી પ્રાપ્ત કરેલું જ્ઞાન પ્રસાદ બની જાય છે.

જ્ઞાન પ્રાપ્તિની મુખ્ય શરત છે અધિકારની પ્રાપ્તિ કઈ રીતે સિદ્ધ થાય તે અંગે પણ તેમણે વર્ણવીને ભકિતમાર્ગમાં ત્રણ પ્રકારના અધિકારી વિશે તેમણે ભાગવતના શ્રોતા અને વકતામાં ઉત્તમ અને મઘ્યમ શ્રોતા કોને કહી શકાય તે વિશે ચર્ચા કરીને શૌનક અને શુક જેવા ઋષીઓની કાર્યપદ્ધતિનું વર્ણન કર્યું હતું.

શ્રી વસંત શાસ્ત્રીજીએ કહ્યું હતું કે, કોઈ ભકતહૃદયી કથાકારની કથા સાંભળી કોઈ વિદ્વાન સંપાદકએ કથાનું શ્રવણ કરી તેના ઉપરથી કઈ પુસ્તક પ્રગટ કરે તો તે પુસ્તકનું સંપાદન કર્યું ગણાય. તેના વાંચનથી અન્યને પ્રેરણા પણ મળે પણ હૃદયની ખરી ભકિત અને પ્રસન્નતા માત્ર શ્રવણ કરીને પુસ્તકો લખનાર સંપાદકને નહીં મળે.

જાણીતા ભાગવત કથાકાર અને બહુશ્રુત વિદ્વાન યોગેશ શાસ્ત્રીએ બપોરના સત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં ત્રણ મહાનુભાવોને તેમના મિત્ર બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હંતું. તેવા ત્રણ પાત્રોની મૈત્રી વિશે મૌલિક ચિંતન પ્રગટ કર્યું હતું અને આ ત્રણ કૃષ્ણની મૈત્રીના અધિકારીમાં અર્જુન, ઉદ્ધવજી અને સુદામાજીના કૃષ્ણ પ્રત્યેની મૈત્રી પ્રસંગોને શ્રોતાઓ સમક્ષ વર્ણવ્યા હતા.

સાંદીપનિ વિઘાનિકેતનના 14માં પાટોત્સવના આ વર્ષના મુખ્ય મનોરથી તરીકે કેન્યા,આક્રિકાના વિજયભાઈ ખીરોયા પરિવાર વિવિધ સેવાયજ્ઞોમાં સહયોગ આપી રહ્યા છે. જ્યારે સુપર સ્પેશ્યાલીસ્ટ આઈ કેમ્પના સ્પોન્સર યુ.કે.ના રમણ વિશ્રામ જોગીયા પરિવાર અને પલ્મોનોલોજી કેમ્પના મનોરથી બજરંગલાલ તાપડિયા પરિવારે સેવા આપી હતી.

સાંદીપનિમાં નવનિર્મિત આતિથ્યનું ઉદ્ઘાટન

સાંદીપનિ પરિસરમાં અતિથિઓના આવાસ માટે નવનિર્માણ પામેલા ભવ્ય અને અત્યાધુનિક “આતિથ્ય’ ભવનનું ઉદ્ઘાટન સવારે 10: કલાકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કરકમલો દ્વારા તેમજ પૂજ્ય ભાઈશ્રી અને સાંદીપનિ ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, અન્ચ મહાનુભાવો અને દેશ-વિદેશથી આવેલા ભાવિકોની ઉપસ્થિતિમાં સંપન્ન થશે.

ABOUT THE AUTHOR

...view details